હવામાન@ગુજરાત: ત્રણ દિવસથી ઠંડીનો પારો સતત ગગડ્યો, નલિયા 5 ડિગ્રી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. એક અઠવાડિયા સુધી ઠંડીમાં મળેલી આંશિક રાહત બાદ ફરી એકવાર લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા સમગ્ર પંથક શીતલહેરની લપેટમાં આવી ગયો છે.
ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાને કારણે અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની સીધી અસર કચ્છના હવામાન પર જોવા મળી રહી છે.
શનિવારે દિવસ દરમિયાન પણ લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો અને તીવ્ર ઠંડા પવનોને કારણે લોકોએ સ્વેટર, જેકેટ અને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો.
શુક્રવારે નલિયામાં લઘુતમ પારો 12 ડિગ્રીએ રહ્યા બાદ એક જ દિવસમાં 7 ડિગ્રી ઘટી ગયો હતો અને 5 ડિગ્રી ઠંડીના લીધે અબડાસા પંથક ફરી કાશ્મીરમાં ફેરાવયું હતું. જિલ્લા મથક ભુજમાં પણ પારો અંદાજે 5 ડિગ્રી ઘટી સિંગલ ડિજિટમાં પહોંચી ગયો છે.
સમી સાંજથી જ ઠંડા પવનોનું જોર વધતા લોકોએ ઘરમાં રહેવાનું વધુ પસંદ કર્યું હતું, જેના કારણે બજારોમાં પણ વહેલી શાંતિ જોવા મળી હતી. શનિવારના તાપમાનના આંકડા પર નજર કરીએ તો, નલિયા 5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું હતું, જ્યારે ભુજમાં 9.8 ડિગ્રી, કંડલા પોર્ટ વિસ્તારમાં 12 ડિગ્રી અને કંડલા એરપોર્ટ મથકે 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
કચ્છના મુખ્ય ચાર હવામાન મથકો પૈકી ત્રણ મથકોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૩ થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેનાથી લોકોને કામચલાઉ રાહત મળશે. જોકે, આ રાહત લાંબો સમય ટકશે નહીં, કારણ કે બે દિવસ બાદ ફરીથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.

