વાતાવરણ@ગુજરાત: આજે ફરી ઠંડીનો ચમકારો વધ્યો; નલિયા 7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા 24 કલાક દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ ઠંડુ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે.
ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવામાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમી ઉપર ફેલાયેલું છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર પંજાબ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનમાં દરિયાની સપાટીથી સરેરાશ 1.5 કિમી ઉપર સુધીનો ટ્રફ લાઇન પસાર થઈ રહી છે.
જ્યારે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે. જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આજ માટે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. જે અનેક શહેરોમાં જોવા મળ્યો છે. જોકે આવતીકાલથી 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે.
અમદાવાદમાં 26 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી હતું, જ્યારે છેલ્લા 24 કલાકમાં તે ઘટીને 13.6 ડિગ્રી થયું છે, એટલે કે નોંધપાત્ર ઠંડક અનુભવી છે. વડોદરામાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 19 ડિગ્રીથી ઘટીને 11.8 ડિગ્રી થયું છે. ભાવનગરમાં 18 ડિગ્રીથી ઘટીને 13.6 ડિગ્રી, દમણમાં 17.2 ડિગ્રીથી ઘટીને 15.2 ડિગ્રી અને ડીસામાં 14.6 ડિગ્રીથી ઘટીને 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં પણ ઠંડીમાં વધારો થયો છે, જ્યાં 11.4 ડિગ્રીથી ઘટીને 10.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરતમાં 18 ડિગ્રીથી ઘટીને 15.1 ડિગ્રી અને વેરાવળમાં 17.8 ડિગ્રીથી ઘટીને 14.8 ડિગ્રી નોંધાયું છે.
બીજી તરફ અમરેલીમાં બંને દિવસ તાપમાન સ્થિર રહી 12 ડિગ્રી જ નોંધાયું છે, જ્યારે ભુજમાં 11 ડિગ્રી બંને સમયગાળામાં સમાન રહ્યું છે. દ્વારકામાં 14.2 ડિગ્રીથી થોડો વધારો થઈ 14.3 ડિગ્રી નોંધાયો છે. કચ્છના નલિયામાં 26 જાન્યુઆરીએ 9.4 ડિગ્રી હતું, જ્યારે છેલ્લા 24 કલાકમાં તાપમાન વધુ ઘટીને 7 ડિગ્રી નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી ઓછું છે. કંડલામાં તાપમાન 12.7 ડિગ્રીથી વધીને 13.3 ડિગ્રી થયું છે, જ્યારે ઓખામાં 16.5 ડિગ્રીથી વધીને 17.8 ડિગ્રી નોંધાયું છે.

