હવામાન@ગુજરાત: રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ

મચ્છુન્દ્રી ડેમના ઉપરવાસમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો
 
હવામાન@ગુજરાત: રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં કેટલાક દિવસથી વરસાદનું આગમન થયું છે.સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ.રાજકોટમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો.ઉપલેટા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે ઉપલેટ શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થઈ ગયા હતા.

વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધોરાજી તાલુકામાં પણ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો બીજી તરફ, શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. ત્યારે જિલ્લાના સાવરકુંડલા, ધારી સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. આ સિવાય થોરડી, આદસંગ, ઘનશ્યામનગર સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.છેલ્લા 5 દિવસથી અમરેલી જિલ્લામાં સતત મેઘમહેર થઈ રહી છે. ત્યારે રાજુલા અને જાફરાબાદ પંથકમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. હિંડોરણા, છતડીયા, કડીયાળી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ, ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

ગીર-સોમનાથ જિલ્લામાં પણ વરસાદે ધૂંઆધાર બેટિંગ ચાલુ કરી હતી. ગીરના જંગલ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે મચ્છુન્દ્રી ડેમના ઉપરવાસમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે રાવલ ડેમના ઉપરવાસમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે ગીર-ગઢડાના ગીર જંગલ નજીકના ગામોમાં એકથી 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધોકડવા, જશાધાર, મોતીસર સહિત ગીર જંગલ ઉપરવાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો.