હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી, 23 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે, નલિયામાં તાપમાન 13.8 નોંધાયું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતાં ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતાં ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 23 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાનો છે.

આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાનું છે. ઉત્તર- પૂર્વ દિશાના ઠંડા પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે. ઠંડીના પ્રમાણમાં વધારો તો થશે, પરંતુ રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે બેવડી ઋતુની અસર પર જોવા મળવાની છે. એટલે કે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થશે. જેથી આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું તાપમાન 13.8 નોંધાયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે વડોદરામાં 14.4 ડિગ્રી, દીવમાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.2 ડિગ્રી, ડીસામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી, ભૂજમાં 18 ડિગ્રી, કંડલામાં 18 ડિગ્રી, વેરાવળમાં 18.8 ડિગ્રી, સુરતમાં 19.4 ડિગ્રી, દ્વારકામાં 20.4 ડિગ્રી અને ઓખામાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.