હવામાન@સુરત: ડાયમંડ સિટી બન્યું 'હિલ સ્ટેશન’, વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ

નલિયાને પાછળ છોડીને અમરેલી 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયુ છે
 
હવામાન@સુરત: ડાયમંડ સિટી બન્યું 'હિલ સ્ટેશન’, વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાં  ગાઢ ધુમ્મસ છવાયું છે. શહેરમાં સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઈમારતો ધુમ્મસમાં ગરકાવ થઈ જતાં સુરત કોઈ હિલ સ્ટેશન હોય તેવા આહલાદક દૃશ્યો સર્જાયા હતા, પરંતુ આ ધુમ્મસ વાહનચાલકો અને મુસાફરો માટે આફત બનીને આવ્યું હતું.

હવામાનની વાત કરીએ આગાહી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરોના લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં કડકડતી ઠંડીમાંથી લોકોને રાહત મળી છે. નલિયાને પાછળ છોડીને અમરેલી 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયુ છે, જ્યારે ગાંધીનગર 12.8 ડિગ્રી સાથે બીજા નંબર પર રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સામાન્ય રીતે યથાવત્ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવનારા દિવસોમાં તાપમાનમાં થોડીઘણી વધઘટ જોવા મળી શકે છે.