રાજકારણ@ગુજરાત: જવાહર ચાવડાની પોતાની જ પાર્ટીના નેતાઓ સામે બળવાખોરી પાછળનું અસલ કારણ શું?
ચૂંટણીમાં જે નેતાઓએ પક્ષ વિરુદ્ધમાં કામ કર્યાં તેમની સામે કાર્યવાહી નથી થતી, ઊલટાનાં મોટાં-મોટાં પદ અપાઈ રહ્યાં છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હમણા કેટલાક દિવસથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક દિગ્ગજ નેતાએ ધડાકો કર્યો કે તેમની પાર્ટીનું કાર્યાલય ગેરકાયદે રીતે બન્યું છે, જિલ્લાપ્રમુખ એક કરતાં વધુ હોદ્દા ભોગવી રહ્યા છે, ચૂંટણીમાં જે નેતાઓએ પક્ષ વિરુદ્ધમાં કામ કર્યાં તેમની સામે કાર્યવાહી નથી થતી, ઊલટાનાં મોટાં-મોટાં પદ અપાઈ રહ્યાં છે. પોતાની જ પાર્ટીના નેતાઓ સામે છડેચોક બાંયો ચડાવનાર નેતા ભાજપના છે. નામ છે જવાહર ચાવડા. તેમણે ન માત્ર આ બધી જ ફરિયાદ છેક વડાપ્રધાન મોદીને કરી, પરંતુ વિવિધ જગ્યાએ કરેલી રજૂઆતના પત્રો સોશિયલ મીડિયા પર જાહેર પણ કરી દીધા છે, એટલે ભાજપના જ નેતાઓ વિચારતા થઈ ગયા કે વળી પાર્ટીમાં આ શું થઈ રહ્યું છે?
જવાહર ચાવડા એટલે સૌરાષ્ટ્રના નેતાઓમાં અગ્ર હરોળનું નામ. માણાવદરથી તેઓ 1990માં માત્ર 26 વર્ષની ઉંમરે પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ 2019માં પક્ષપલટો કર્યો અને ભાજપમાં જોડાઈને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બની ગયા હતા, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ તો મળી પણ હારી ગયા હતા. માણાવદર વિધાનસભા બેઠકના ભાજપ તરફથી ચૂંટણી ઇન્ચાર્જ અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાએ જણાવ્યું, જવાહર ચાવડાને રાજકીય રીતે વ્યક્તિગત વાંધો હોય એવા લોકોને તેઓ ટાર્ગેટ કરે છે. મીડિયામાં માઇલેજ લેવા પત્રો સોશિયલ મીડિયામાં મૂકે છે. કોંગ્રેસમાં હતા એ સમયે પણ આવું જ કરતા હતા, જેથી લોકો નોંધ લે.
તેમણે કહ્યું, હું 1995ની સાલથી ભાજપમાં છું. અનેક નાના-મોટા હોદ્દા મેં અને મારા પરિવારના સભ્યોએ ભોગવ્યા છે. હું દૂધ સંઘમાં રહ્યો, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં એમડીની જવાબદારી પણ મેં નિભાવી. આ ઉપરાંત મને કેશોદ અને માણાવદર વિધાનસભા સીટના પ્રભારીની જવાબદારી પક્ષે આપી હતી.
લોકસભાની ચૂંટણીના પરિણામોને માંડ 20 દિવસ પણ નહોતા થયા અને જવાહર ચાવડાએ ભાજપ સામે જ મોચરો માંડી દીધો હતો. તેમણે આ ચેપ્ટરની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાથી કરી હતી.
દિનેશ ખાટરિયાએ તો પોતાની સાથે જ બનેલી એક ઘટના યાદ કરી અને કહ્યું, જ્યારે જવાહર ચાવડા મંત્રી હતા એ સમયે મારાં પત્ની જિલ્લા પંચાયતનાં પ્રમુખનાં દાવેદાર હતાં છતા તેમણે મારાં પત્ની વિરુદ્ધ સેન્સ આપી હતી. અમે એક જ જ્ઞાતિના છીએ છતાં પણ તેમણે આવું કર્યું હતું. એમ છતાં પાર્ટીએ મારી પત્નીને મેન્ડેટ આપ્યો હતો.
'ભાજપ અને કોંગ્રેસમાં ભેદ એટલો જ છે કે ભાજપમાં કોઈ વ્યક્તિનું ન ચાલે. અમારે સંગઠન મહત્ત્વનું છે. જવાહર ચાવડા ઘણાં વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા છે. કોંગ્રેસમાં સત્તા મહત્ત્વની છે. કોંગ્રેસમાં કોઈ ધારાસભ્ય કહે કે આ વ્યક્તિને જિલ્લા પંચાયતની ટિકિટો આપવાની, તો પક્ષે આપવી પડે. અમારે ત્યાં કાર્યકરો નક્કી કરે, પાર્ટી નક્કી કરે છે.'
દિનેશ ખાટરિયા તો ત્યાં સુધી દાવો કરી ગયા કે હવે જવાહર ચાવડાના કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ભાજપમાં હંમેશાં કાર્યકર્તાના ગુણ-દોષ જોવામાં આવે છે. આવા લેટર જાહેર કરવાનો ઉદ્દેશ મીડિયામાં માઇલેજ મેળવવા સિવાય બીજું કંઈ છે નહીં?
'જે વ્યક્તિ કેબિનેટ મિનિસ્ટર હોય, સ્થાન પ્રમાણે ટોપ-10મા આવતો હોય, જેનો માણાવદર વિધાનસભા વિસ્તાર જ નહીં, જૂનાગઢમાં દબદબો હોય એ માણસની પાર્ટીના કાર્યક્રમમાં મોઢું દેખાડવા જેવી સ્થિતિ ન હોય તો આનાથી વિશેષ શું હોય? આમાં પગલાં લઈને મોટા કરવા જેવું થાય. માછલીને તડફડવું હોય તો એને પાણીમાંથી બહાર કાઢો કે ન કાઢો એ પણ તડફડે જ.'
'હું અને જવાહર ચાવડા 1995થી સામ-સામે ચૂંટણી લડતા આવ્યા છીએ. 2019માં જવાહરભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. ત્યારે અમે તેમના માટે તન, મન, ધનથી કામે લાગી ગયા, કારણ કે અમારે પાર્ટીની લાઇનમાં રહેવાનું હોય. તેઓ ભાજપમાં આવીને ચૂંટણી જીત્યા પણ ખરા. પછી તેમણે પોતાના મળતિયાને ગોઠવવાના પ્લાન કર્યા, પરંતુ સફળ ન થયા.'
'વર્ષ 2022માં ઘણા આગેવાનો અને કાર્યકરોએ પક્ષમાં રજૂઆત કરી કે જવાહર ચાવડાને પાર્ટીમાં લાવ્યા તો ખરા, પરંતુ અત્યારે સ્થાનિક લોકો, સંગઠન તેમજ આગેવાનો નારાજ છે. એટલે આ વ્યક્તિ જીતશે નહીં. આવી રજૂઆત લેખિત અને નિરીક્ષકોને પણ મૌખિક રીતે કહી હતી. આજની તારીખે જવાહર ચાવડા કહે છે કે મારું નિશાન તો મશાલ હતું. કમળના નિશાનને ફાડી નાખે છે. તો જવાહર ચાવડા કોંગ્રેસ કે ભાજપના સિમ્બોલ વગર માણાવદરમાં ચૂંટણી જીતીને બતાવી દે.'
'મને ભાજપે કાઢી મૂક્યો એટલે બીજા પક્ષમાં જોડાયો એવું કહેવા થાય એમ ઈચ્છે છે. તેઓ ભાજપમાં જોડાયા ત્યારે પણ બોલ્યા હતા કે મને એક હોટલમાં ન ભાવે તો હું બીજી હોટલમાં જતો રહું, પરંતુ હવે કોંગ્રેસવાળા પણ અંદરખાને એવું ઇચ્છી રહ્યા છે કે આ માણસ અમારે ત્યાં ન આવે તો સારું. કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોને એવું જ છે કે માંડ અમે આ વ્યક્તિથી સ્વતંત્ર થયા છીએ.'
'જવાહર ચાવડા પોતે જૂનાગઢમાં જ રહે છે અને મંત્રી રહી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે આ બધું દૂર કરવા નીકળી પડ્યા હોત તો કોણ ના પાડતું હતું? જે (ભાજપના) કાર્યાલય માટે પોતે ધારાસભ્ય તરીકે 2017માં પત્ર લખે, પછી 2019થી 2022 સુધી એ જ કાર્યાલયનાં પોતે પગથિયાં ચડ્યાં.'તેમણે ઉમેર્યું, મનસુખ માંડવિયાને પણ નામ બોલ્યા વગર આડે હાથ લીધા હતા. એનો જવાબ પણ મનસુખ માંડવિયાએ જે-તે સમયે આપ્યો જ હતો. હવે જવાહર ચાવડાને ભાજપમાં રહેવું કે જવું છે એ કાંઈ કહી ન શકાય. પાર્ટીમાં સાવ નિષ્ક્રિય રહે છે.
જવાહર ચાવડાએ ભાજપના જે લોકો સામે બાંયો ચડાવી છે એમાં જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલનું નામ પણ સામેલ છે. નારાજગી અને બળવાખોરીના પ્રકરણ વચ્ચે કિરીટ પટેલ પણ પત્રકારો સમક્ષ આવ્યા. તેમણે સીધી રીતે જવાહર ચાવડાનું નામ તો ન લીધું એમ છતાં ઘણી વાતો કહી ગયા.
કિરીટ પટેલે કહ્યું, દરેક જગ્યાએ નાના-મોટા ઈસ્યુ હોય. કોઈને મન થયું હોય એટલે બહાર લાવે અને કોઈને લાગે કે બધું સરખું થઈ જશે એટલે ચૂપ રહે. એક ઘરમાં પાંચ લોકો શાંતિથી નથી રહી શકતા, આ તો રાજકીય પાર્ટી છે. હું તેમના (જવાહર ચાવડા) પત્ર વિશે કોઈ ટિપ્પણ કરવા નથી માગતો. તેમની સામે કાર્યવાહીનો નિર્ણય પ્રદેશ કક્ષાએથી થશે, હું કાંઈ કહી ન શકું.
તેમણે આગળ જણાવ્યું, તેમણે (જવાહર ચાવડા) લખેલા પત્રોને કારણે પાર્ટીની જરા પણ છબિ ખરડાઈ નથી. અમારા 4 વિધાનસભા વિસ્તારમાંથી 1 લાખ 80 હજાર પ્રાથમિક સભ્યો બન્યા છે, એટલે આજે પણ ચૂંટણી થાય તો અમે જૂનાગઢમાં તમામ બેઠકો જીતી શકીએ છીએ.
જૂનાગઢના પીઢ ભાજપી નેતા ગિરીશ કોટેચાએ કહ્યું, આ મુદ્દા કાંઈ વિશેષ ટિપ્પણીની જરૂર મને નથી જણાતી. માણાવદરનું રાજકારણ આખું અલગ છે. જવાહર ચાવડાને શું વાંધો છે એ તેમને જ ખબર હોય. લોકસભાની ચૂંટણી હતી એ સમયથી આ બધું ચાલ્યું જ આવે છે. તેઓ ભાજપમાં સાવ નિષ્ક્રિય છે એ વાત હકીકત છે. તેમને કોની સાથે શું વાંધો છે એ વિશે મને સ્પષ્ટ ખબર નથી. હાલની તેમની ગતિવિધિ પર પાર્ટી એક્શન લેશે કે નહીં એ પણ ખબર નથી.
આ મુદ્દે હીરાભાઈ જોટવાએ જણાવ્યું, ભાજપમાં કથની અને કરની બે અલગ-અલગ છે એવું કોંગ્રેસ કાયમી કહે છે. પાર્ટીમાં શિસ્ત હોય છે, એક વ્યક્તિને એક પદ મળે એવી માત્ર વાતો જ કરે છે. ભાજપના મુખ્ય લોકો જ હવે આ બધું છતું કરી રહ્યા છે. તેમણે જ બતાવ્યું કે જિલ્લાપ્રમુખ પાસે બેથી ત્રણ પદ છે. ભાજપના નેતાઓ ખૂલીને બોલી રહ્યા છે કે ભ્રષ્ટાચાર અને મિલીભગતને લીધે આખું જૂનું જૂનાગઢ વરસાદમાં ડૂબવા મજબૂર થઈ ગયું હતું.
હીરા જોટવાએ તો ત્યાં સુધી કહી દીધું કે જો જવાહર ચાવડા કોંગ્રેસમાં પરત આવે તો આવકાર્ય જ છે, પરંતુ એવું માની લેવાનાં કારણો નથી, કારણ કે તેઓ પાર્ટી વગર પણ રહી શકતા હોય એવો તેમનો હિસાબ હશે. તેઓ ગુજરાત આહીર સમાજના પ્રમુખ છે એટલે કંઈક સમજીવિચારીને પાર્ટી સામે પડ્યા હશે. રહી વાત ચૂંટણીમાં નિષ્ક્રિયતાની તો કોંગ્રેસને એટલે કે અમને કંઈ લાભ થયો હોય તો જરૂર તેમનો આભાર માનીએ, પરંતુ જવાહર ચાવડાના કારણે અમને કોઈ લાભ થયો નથી. ભાજપમાં ઉપરથી નીચે સુધી મિલીભગત ચાલે છે. બધા સરખા છે તો કોણ કોની સામે એક્શન લે?જવાહર ચાવડા દાયકાઓ સુધી કોંગ્રેસમાં અગ્ર હરોળના નેતા રહી ચૂક્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમનું બળવાખોરીનું વલણ ઘણું સૂચવી જાય છે, એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પણ આ પ્રકરણ અંગે સવાલ કર્યા હતા. તેમનું કહેવું છે કે આ ભાજપનો આંતરિક મામલો છે એટલે હું કોઈ ટિપ્પણી કરવા નથી માગતો. જવાહર ચાવડાને કોંગ્રેસમાં આવવું હશે, ત્યારની વાત ત્યારે. અત્યારે આ મુદ્દે કોઈ જવાબ ન આપી શકાય.વળી, જવાહર ચાવડા પત્ર લખીને અને સોશિયલ મીડિયા પર ટીકા-ટિપ્પણી કરીને તો ખૂબ સક્રિયતા દાખવી રહ્યા છે. જવાહર ચાવડાએ લખેલા પત્રો અને ગંભીર આરોપો મુદ્દે તેમનો મત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી મીડિયા સામે આવીને સવાલોનો સામનો કર્યો નથી.