ઘટના@રાજકોટ: એક્ટિવા અથડાવતાં સામેવાળી યુવતીએ દાતરડું કાઢી ગાળો બોલી

પોતાનું જ એક્ટિવા સળગાવ્યું

 
ઘટના@રાજકોટ: એક્ટિવા અથડાવતાં સામેવાળી યુવતીએ દાતરડું કાઢી ગાળો બોલી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં બે યુવતી વાહન લઈને જતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ વાહન નુકસાની અંગે ખર્ચ માગતા વાહન અથડાવનાર યુવતીએ ગુસ્સામાં પોતાના જ એક્ટિવામાંથી પેટ્રોલ કાઢી આગ ચાંપી દીધી હતી. જો કે, આ વીડિયો વાઇરલ થતા રાજકોટ તાલુકા પોલીસ દ્વારા યુવતી સામે જી.પી. એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.


રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વીડિયો વાઇરલ થયો પામ્યો છે. જેમાં બે યુવતીઓ વાહન અથડાવવા બાબતે બોલાચાલી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે. જે પૈકી વાહન અથડાવનાર યુવતી હાથમાં ધારદાર દાતરડું ખુલ્લેઆમ લઈને સામેવાળી યુવતીને ડરાવી રહી છે અને ત્યાંથી નાસી જવા કોશિશ કરે છે. પરંતુ યુવતી વાહનની આગળ ઊભી રહી જતાં વાહન અથડાવનાર યુવતીએ પોતાનું એક્ટિવા પછાડી તેમાં દાતરડું મારી પેટ્રોલ કાઢી એક્ટિવા ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી.


સમગ્ર મામલે વીડિયો વાઇરલ થતા રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. હરિપરાએ જણાવ્યું હતું કે, વીડિયો વાઇરલ થયો છે. જેમાં દેખાતી યુવતી પોતે આવાસ યોજના ક્વાર્ટરમાં જ રહે છે. પોતે જાતે પોતાનું એક્ટિવા સળગાવી દીધું છે. જેની સામે જી.પી. એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતી દારૂના નશામાં હોવાની ચર્ચા વાઇરલ વીડિયોમાં થતા તેમના બ્લડ સેમ્પલ લઈ આ માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી યુવતી દારૂના નશામાં હતી કે નહીં તે સામે આવ્યું નથી.