બતાવો@લીમખેડા: કરોડોના ખર્ચ સામે મનરેગાના તમામ સીઆઇ બોર્ડ ક્યાં, તુરંત ખાત્રી કરવા કેમ ઉઠી બૂમરાણ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
લીમખેડા તાલુકામાં મનરેગાના કામોમાં લેબર મટીરીયલ રેશિયો અને બેફામ બીલોની બૂમરાણ ગેરમાર્ગે દોરતો જવાબ કરીને શાંત કરવા કોશિશ થઈ હતી. તો હવે, તાલુકાના અનેક ગામોમાં લાખો કરોડોનો ખર્ચ પાછલાં વર્ષોમાં થયેલ અસંખ્ય કામોના બોર્ડનો મુદ્દો ગરમાયો છે. વિકાસના કામોના ઇન્ફોર્મેશન બોર્ડની તાત્કાલિક અસરથી ખરાઇ કરવા તદ્દન નવી બૂમરાણ ઉઠી છે. રાજ્ય કેન્દ્ર સરકારે મનરેગા હેઠળ રોજગારી વિકાસ કરવા આપેલા કરોડો રૂપિયા દ્વારા ઉભી થયેલી એસેટના પ્રચાર પ્રસારનો આ મુદ્દો બરાબર સમજવો પડશે. આ મુદ્દો કહો બૂમરાણ પરંતુ સંપૂર્ણ સરકારના હિતમાં અને વિકાસના કામોની જાગૃતિ માટે રામબાણ છે. જોકે આ ઇન્ફોર્મેશન બોર્ડની ખરાઇ થાય તો જ મહા ઘટસ્ફોટ થાય અથવા વાહવાહી થાય. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પાછલાં કેટલાંક વર્ષોમાં મનરેગા હેઠળ અનેક સંપત્તિ એટલે કે સરકારી એસેટ ઉભી થઇ છે. ઉભી થઇ છે એટલા માટે કહ્યું કેમ કે, લીમખેડા તાલુકા પંચાયતના ટીડીઓથી માંડીને મનરેગાની ટીમે કરોડો રૂપિયા મટીરીયલ ખર્ચ પેટે ચૂકવ્યા છે અને તેની સાથે સ્ટોનબંધ સહિતની થોકબંધ એસેટ બનાવી હોવાનું ઓનલાઇન રેકર્ડ ઉપર છે. હવે આ કામો કઈ જગ્યાએ, ક્યારે કર્યા, કેટલા ખર્ચે કર્યા, કયા વર્ષમાં કર્યા તેની માહિતી દર્શાવતું સીટીઝન ઇન્ફોર્મેશન બોર્ડ સૌથી મોટી સાબિતી છે. મનરેગાના નિયમોનુસાર એક એક કામના સ્થળે મજબૂત અને સૌ કોઈને વંચાય તે રીતનું સીટીઝન ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવુ ફરજિયાત છે. રાજ્ય કેન્દ્ર સરકારના ખર્ચથી બનેલી આ તમામ એસેટના સ્થળે શું નિયમો મુજબનું સીટીઝન ઇન્ફોર્મેશન બોર્ડ લીમખેડા તાલુકામાં છે ? વાંચો નીચેના ફકરામાં
સૂત્રોએ જણાવ્યું હતું કે, લીમખેડા તાલુકામાં મનરેગાની ટીમના માત્ર છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો પણ હજારો જાહેર હિતના કામો થયા છે. આ તમામ કામોના સ્થળે સીટીઝન ઇન્ફોર્મેશન બોર્ડ નથી તેવી બૂમરાણ ઉભી થતાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ એવી પણ ચર્ચા ઉભી થઇ છે કે, લોકેશન, ફોટા અપલોડ, નાણાંકીય વર્ષ અને સંબંધિત રેકર્ડ સાથે તમામ એસેટના સીટીઝન ઇન્ફોર્મેશન બોર્ડ તપાસવામાં આવે તો જિલ્લાનો સૌથી મોટો ભ્રષ્ટાચાર વિસ્ફોટની જેમ બહાર આવી શકે છે. સીટીઝન ઇન્ફોર્મેશન બોર્ડ બાબતે એવું પણ કહેવાય છે કે, એકના એક સ્થળે ડબલ કામ બતાવી જૂના બોર્ડ ઉપર ચૂનો લગાવી નવા કામની માહિતી લખીને પણ બચાવ કરતાં હોય છે. આવી સ્થિતિમાં સ્થાનિકોની માંગ છે કે, દાહોદ ડીડીઓ તાત્કાલિક અસરથી લીમખેડા તાલુકામાં મનરેગાના છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ કામોના એસેટની ખરાઇ કરી સીટીઝન ઇન્ફોર્મેશન બોર્ડ સુનિશ્ચિત કરે તે સરકારના હિતમાં છે.