યાત્રા@ગુજરાત: કોંગ્રેસની ન્યાય યાત્રાના કેવા હાલ? જાણો વધુ વિગતે

રોજ માંડ 100 લોકો ચાલે છે

 
યાત્રા@ગુજરાત: કોંગ્રેસની ન્યાયયાત્રાના કેવા હાલ? જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોંગ્રેસ દ્વ્રારા ન્યાય યાત્રા કેટલાક દિવસોથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડના વિરોધમાં કોંગ્રેસે બંધનું એલાન આપ્યું. રાજકોટ સજ્જડ બંધ રહ્યું અને કોંગ્રેસને સફળતા મળી. આ સફળતા એવી હતી કે ભાજપે પણ તેની નોંધ લેવી પડી. સફળતાનો લાભ ઉઠાવવા કોંગ્રેસે ન્યાય યાત્રાનું પ્લાનિંગ કર્યું. જેમાં રાજકોટ અગ્નિકાંડ, મોરબી પુલ દુર્ઘટના, વડોદરા બોટકાંડ અને સુરતના તક્ષશિલાકાંડના પીડિત પરિવારોને સાથે રાખવાનું અને તેમને અન્યાય થયો હોવાનો મુદ્દો ઉઠાવવાનું નક્કી કર્યું. 9મી ઓગસ્ટે શરૂ થયેલી આ ન્યાય યાત્રાને પીડિત પરિવારોનો સાથ ન મળ્યો. ઘણા પીડિત પરિવારોએ તેમાં જોડાવાની ચોખ્ખી ના કહી દીધી.

રાજકોટ બંધ સમયે પીડિત પરિવારો પ્રત્યે લોકોની સંવેદના હતી પણ કોંગ્રેસની ન્યાય યાત્રામાં તે સંવેદના ન દેખાઇ. લોકોની સંવેદના જ નહીં કોંગ્રેસના મોટા નેતાઓનો સાથ પણ આ યાત્રાને ન મળ્યો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ અપાયું હોવા છતાં તેઓ આવ્યા નહીં. હવે કોંગ્રેસે જાહેરાત કરી છે કે 23મી તારીખે મલ્લિકાર્જુન ખડગે આ યાત્રામાં જોડાશે. બીજીતરફ ભાજપે રાજકોટથી તિરંગા યાત્રાની શરૂઆત કરાવી. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના દિગ્ગજો રાજકોટ આવ્યા અને શક્તિ પ્રદર્શન કર્યું. અમદાવાદની તિરંગા યાત્રામાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પદયાત્રા કરી હતી.

કોંગ્રેસમાં આવી સ્થિતિનો અભાવ દેખાયો. 4 મહિના પહેલા ચૂંટણી લડવા ઉતરેલા લોકસભાના 4-5 ઉમેદવારો સિવાય કોઇ દેખાયું નહીં. કોંગ્રેસના નેતાઓના સોશિયલ મીડિયા પર પણ યાત્રાની કોઇ વિગતો જોવા ન મળી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા તો હતા પરંતુ પદયાત્રા ન કરી. આમ ખુદ કોંગ્રેસના નેતાઓ જ ન્યાય યાત્રા પ્રત્યે ઉદાસીન હોવાનું લાગ્યું. શહેરી વિસ્તારોમાં ન્યાય યાત્રામાં ભીડ તો જોવા મળી પણ ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ટોળું જ જોવા મળ્યું. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત કરી હતી તે જુસ્સો જમીન પર ન દેખાયો. લાલજી દેસાઇ પણ ખુદ એવું સ્વીકારે છે કે ગુજરાતમાં સેવાદળ નબળું છે.

9મી ઓગસ્ટે મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા અત્યાર સુધીમાં 150 થી વધુ કિલોમીટરનું અંતર કાપી ચૂકી છે. ગાંધીનગર પહોંચતા સુધીમાં તે 300 કિલોમીટરનું અંતર કાપશે. માર્ચ મહિનામાં ગુજરાતમાં આવેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓએ ભાગ લીધો હતો પરંતુ દુર્ઘટના પીડિતો માટેની આ ન્યાય યાત્રામાં હજુ સુધી અમુક મોટા નેતાઓ ફરક્યા જ નથી.


પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રમુખ, વર્તમાન પ્રમુખ, કોર્પોરેટર વગેરે યાત્રામાં જોડાતા હોય છે. જાણીતા ચહેરાની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ, લલિત કગથરા, લલિત વસોયા, ઋત્વિક મકવાણા પણ જોડાયા હતા. અત્યારસુધી આ યાત્રા સૌરાષ્ટ્રમાં જ હતી. સૌરાષ્ટ્રના કોંગ્રેસના એક માત્ર ધારાસભ્ય છે વિમલ ચુડાસમા. તેઓ એકવાર યાત્રામાં આવી ગયા છે. બાકી CWCના સભ્ય અને રાહુલ ગાંધીના અંગત મિત્ર ગણાતા સચિનરાવ પણ આવ્યા છે. ગુજરાત સેવા દળના પ્રમુખ પ્રગતિ આહીર, ઇન્દ્રવિજયસિંહ પણ જોડાયા હતા.


યાત્રા જ્યારે શરૂ થઇ ત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ અપાયું હતું પરંતુ તેઓ હજુ સુધી નથી આવ્યા. યાત્રાનું જ્યારે 23મી તારીખે સમાપન થશે ત્યારે મલ્લિકાર્જુન ખડગે તેમાં જોડાશે તેવું કોંગ્રેસે હવે જાહેર કર્યું છે.

કોંગ્રેસની ન્યાય યાત્રામાં રોજ કેટલા લોકો જોડાય છે? દરરોજ કેટલા કિલોમીટર ચાલે છે? રાતવાસો ક્યાં કરે છે? કેટલા વાહનો છે? આ બધું જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે પણ પ્રવાસ કર્યો.


યાત્રાનો વિચાર લાલજી દેસાઇ, જીજ્ઞેશ મેવાણી અને પાલ આંબલિયાનો હતો. લાલજી દેસાઇએ લોકોને તૈયાર કર્યા, મેવાણી પીડિત પરિવારોને મળ્યા અને સમજાવ્યા હતા. યાત્રાની જવાબદારી આ ત્રણેયના શિરે છે.


આ પદયાત્રામાં દરરોજ ફક્ત 100 જેટલા લોકો 20 થી 25 કિલોમીટર ચાલે છે. 51 લોકો એવા છે જે ક્યાંય પણ યાત્રા હોય તો હાજર જ રહે છે. એ સિવાય અન્ય કાર્યકરો પણ જોડાયા છે. અમુક કાર્યકરો ગુજરાતના છે અને અમુક ગુજરાત બહારના પણ છે, બાકી સ્થાનિક લેવલે ચહેરા બદલાતા રહે છે.


​​​​​​​યાત્રામાં 2 બસ અને 3 ટેમ્પો છે. અમુક જગ્યાએ રોકાવાનું હોય કે આસપાસના ગામમાં ઉતારો હોય તો ત્યાં જવા માટે બસનો ઉપયોગ કરાય છે. જ્યારે એક ટેમ્પોમાં સાઉન્ડ સિસ્ટમ છે, જેમાં દેશ ભક્તિના ગીતો વાગતા રહે છે. બીજા ટેમ્પોમાં પાપનો ઘડો મુક્યો છે અને ત્રીજામાં પત્રિકાઓ સહિતનો સામાન રાખવામાં આવ્યો છે. યાત્રા જ્યાં પહોંચે ત્યાં સ્થાનિક કક્ષાના નેતાઓ-કાર્યકરોની કાર પણ જોડાય છે.


​​​​​​​યાત્રામાં સામેલ લોકોનો રાતવાસો મોટાભાગે ધર્મશાળા અને સ્થાનિક કક્ષાએ કોઈ એવી શાળા હોય તેમાં જ કરાય છે. તેમના માટે ચા-પાણી, નાસ્તો, જમવાનું વગેરેની વ્યવસ્થા ત્યાંના કાર્યકરો કરે છે. સેવાદળ અને કોંગ્રેસના કાર્યકરો તેનો ખર્ચ ઉપાડે છે. અમુક લોકો પડદા પાછળ રહીને ખર્ચ ઉપાડે છે. જે પોતાના નામ જાહેર નથી કરતા.

યાત્રામાં જોડાયેલા લોકો સવારે 7 વાગ્યા આસપાસ ઉઠી જતા હોય છે. 8 વાગ્યે ધ્વજવંદન કરે છે અને યાત્રાની શરૂઆત કરે છે. રોજ 25 કિલોમીટર ચાલવાનો ટાર્ગેટ હોય છે પણ ક્યારેક 20 થાય, ક્યારેક 22 થાય તો ક્યારેક 25 કિલોમીટર પણ થઇ જાય. જમવાનો સમય થાય તો જ્યાં આયોજન હોય ત્યાં જમી લે છે. રાત પડી જાય અને ટાર્ગેટ પ્રમાણેનું રાત્રિ રોકાણનું સ્થળ આવી જાય તો ત્યાં રોકાઇ જાય છે. રાત્રિ રોકાણના સ્થળે જ ભોજનની પણ વ્યવસ્થા કરેલી હોય છે.


નાગપુરના એક અનુભવી ડોક્ટર પદયાત્રામાં જોડાયા છે. તેઓ સેવાદળના કાર્યકર પણ છે. તેઓ એક કિટ પોતાની સાથે જ રાખે છે. કોઇને કંઇ તકલીફ થાય તો તરત સારવાર મળી રહે છે. અલગથી કોઇ મેડિકલ ટીમની જરૂર નથી હોતી.


યાત્રામાં રાજુભાઇ વાઘેલા નામના કોંગ્રેસના કાર્યકર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. જેની પાછળનું કારણ છે તેમનો કપડાં. તેમણે કોંગ્રેસના ઝંડાવાળા કપડાં પહેર્યા હતા. તેઓ કુવાડવા અને ચોટીલા સુધી યાત્રામાં સાથે ચાલ્યા હતા. રાજુભાઇ દર વર્ષે આવા કપડાં સીવડાવે છે અને તે પહેરીના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે ચૂંટણી, રેલી કે યાત્રામાં જોડાય છે.


લાલજી દેસાઇ સુરેન્દ્રનગરના મેરા ગામના રહેવાસી છે. તેમણે B.com ઉપરાંત ભાવનગર જિલ્લાની લોકભારતીમાંથી બેચલર ઓફ રૂલર સ્ટડીનો અભ્યાસ કર્યો છે. શાળાના અભ્યાસ દરમિયાન તેઓ દરરોજ 18 કિલોમીટર જેટલું ચાલતા હતા. 1999માં તેમણે આદિવાસીના હક માટે 200 કિલોમીટરની પદયાત્રા કરી હતી. આ તેમની પહેલી લડત યાત્રા હતી.


ન્યાય યાત્રાને પોતાનું તપ ગણાવતાં લાલજી દેસાઇ જણાવે છે કે, હું,જીજ્ઞેશ મેવાણી અને પાલ આંબલિયા ત્રણેય મિત્રો રાજકોટમાં 27 દિવસ અને તેના પછી 3-4 દિવસ એમ એકાદ મહિનો રોકાયા હતા અને અલગ અલગ કાર્યક્રમો કર્યા હતા. અમે અમારી તપસ્યાના પ્રયોગો કરીએ છીએ. આ અમારૂં તપ છે. રાજકોટના અગ્નિકાંડ ઉપરાંત રાજ્યની અન્ય ઘટનાઓના પીડિત પરિવારોને મળવાનું થયું. અનેક પીડિત પરિવારો પર અલગ અલગ પ્રકારના દબાણ છે. અમે પીડિત પરિવારોને મળ્યા, તેમનું દુઃખ દર્દ સમજ્યા. કોઇ પરિવાર અમને કહે કે અમારે નથી લડવું તમે કેમ લડો છો? તો હું માનું છું કે માનવ ધર્મ છે અને અમારે લડાઈ લડવી જોઈએ. પીડિત પરિવારો કોઇ જુદા દબાણથી લડી ન શકે તેવું બને. અમારી ત્રણેય વચ્ચે ખૂબ ચર્ચાઓ થઈ છે. જેના અંતે એવું નક્કી કર્યું કે ગુજરાતમાં એક યાત્રા કરવાથી કંઈ સરખું થાય તેવું લાગતું નથી એટલે અમે કુલ 7 યાત્રા કરવા માટેની બ્લૂ પ્રિન્ટ બનાવી છે.


સેવાદળ વિશે તેઓ જણાવે છે કે, ગુજરાતમાં સેવાદળ ખૂબ નબળું હોવાનો સ્વીકાર કરું છું. જે રીતે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, બંગાળ, આસામમાં સેવાદળ ખૂબ કામ કરે છે. દર મહિને શિબિરો યોજાય છે તે જ રીતે ગુજરાતમાં બેઠું કરવાનો પ્રયાસ ચાલે છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 17-18 જિલ્લાઓમાં સેવાદળ અત્યારે ગોઠવાયું છે. નવી ટીમ આવી છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં સેવાદળના માત્ર 700 લોકો છે. આખા ભારતના 3,70,000 માંથી ગુજરાતમાં માત્ર 700 લોકો છે. આ ખૂબ ઓછું કહેવાય. દરેક જિલ્લામાં 100 થી ઓછા લોકો ન હોવા જોઈએ તેવું હું માનું છું.


તેમણે ઉમેર્યું કે, સેવાદળ એ દેશ માટે કામ કરે છે. સેવાદળ અને આરએસએસની દેશની વ્યાખ્યા અલગ અલગ છે. એક દેશ પ્રેમી છે, બીજું રાષ્ટ્રવાદી છે. રાષ્ટ્રવાદીની નીચે ધર્મવાદ, જાતિવાદ છે. એમાં પણ સર્વોચ્ચ પદ પર એક સેનાપતિ હોય છે જેને સર સેનાપતિ કહેવાય છે. અમારે ત્યાં પણ મુખ્ય સેનાપતિ હોય છે. જેને અમે લોકો ચીફ ઓર્ગેનાઇઝર કહીએ છે. ઓર્ગેનાઇઝર મુખ્ય છે. એ સંગઠિત કરવાનું કામ કરે છે. અમારા સેવાદળ અને આરએસએસમાં એક તફાવત એ છે કે સેવાદળના અધ્યક્ષ મહિલા પણ બની શકે, પુરુષ પણ બની શકે, હિન્દુ પણ બની શકે અને મુસલમાન પણ બની શકે. આરએસએસના સર સેનાપતિ ચિત્તપાવન બ્રાહ્મણ બની શકે બીજા બ્રાહ્મણો પણ ન બની શકે એટલે અન્ય છેવાડાના માનવીનો તો કોઈ સવાલ જ નથી.


તેમણે જણાવ્યું કે,આ પહેલી યાત્રા જે છે એ અમે લોકોએ મોરબીથી શરૂ કરીને ગાંધીનગર સુધી પહોંચવાના છીએ. બીજી એક યાત્રા વડોદરાથી સુરત સુધીની છે. એક યાત્રા આદિવાસી પટ્ટામાં જશે અને આદિવાસીઓના જમીનના પ્રશ્નો ઉઠાવશે. એક યાત્રા દરિયા કિનારે વસતા લોકો માટેની હશે. એક યાત્રા માત્ર ખેડૂતોના મુદ્દાઓને ઉજાગર કરતી હશે. એક યાત્રા પાણીના મુદ્દા માટે હશે અને એક યાત્રા શહેરી પ્રશ્નોને ઉજાગર કરતી હશે. હું માનું છું કે ગુજરાતમાં અમારી આ સાત યાત્રા ઓછી પડવાની છે. કોડીનાર અને સુરેન્દ્રનગરમાં ખાણમાફિયા, કચ્છ, જામનગર અને દ્વારકામાં ભૂમાફિયા, શિક્ષણ માફિયા, આરોગ્ય માફિયા આમ અલગ માફિયાઓનું રાજ છે.

યાત્રા પહેલાંની તૈયારીઓ અંગે તેઓ કહે છે કે, યાત્રા ક્યાંથી નીકળે, કેટલા લોકોને જોડી શકાય તેના માટે મિટીંગ કરી. પ્રદેશ કક્ષાએ પણ ઝૂમ મિટીંગ કરી હતી કારણ કે યાત્રા લઇને એકલા નીકળી પડીએ એ પૂરતું નથી. મૂળ વાત લોકોને યાત્રા સાથે જોડવાની હતી.


શહેરી વિસ્તારમાં યાત્રા પહોંચે અને ગ્રામ્ય વિસ્તારમાં પહોંચે એમાં શું મોટો ફેર જોવા મળે છે તે વિશે તેઓ કહે છે કે, બન્નેની પદ્ધતિ થોડી અલગ છે. જિલ્લામાં કે શહેરમાં યાત્રા હોય તો કોંગ્રેસના મોટા નેતાઓની હાજરી હોય છે. જ્યારે ગામડામાં સ્થાનિક કાર્યકરો વધુ ઉમળકાભેર અને લાગણીભેર સ્વાગત કરતા હોય છે.


તેમણે કહ્યું કે, માત્ર સેવાદળ નહીં પરંતુ દરેક જિલ્લા અને નાના તાલુકામાં કોંગ્રેસના કાર્યકરોનો સિંહ ફાળો હોય છે. ડ્રેસમાં અમે માત્ર એક સફેદ ટોપી જ રાખી છે. ગાંધીજીના પ્રતીક સમાન ટોપી સૌ કોઈ પહેરે છે એટલે કોંગ્રેસ અને સેવાદળ એક જ લાગે. આ યાત્રા એ કોંગ્રેસ અને સેવાદળનો સહિયારો પ્રયાસ છે.


​​​​​​​આંદોલનો અંગે તેઓ જણાવે છે કે, હું સેવાદળમાંથી રાજકારણમાં નથી આવ્યો. આંદોલનકારી લાલજી 26 વર્ષ સુધી માત્ર ગુજરાતમાં જ નહીં ભારતમાં જે શિક્ષણનો અધિકાર આવ્યો એ સમયથી સંગઠનમાં છે. હું રાષ્ટ્રીય લીડર રહી ચૂક્યો છું. રાષ્ટ્રીય લડતમાં હતો તેની પહેલા ગુજરાતના અલગ-અલગ વિસ્તારો સહિત દુનિયાના 52 દેશો સાથે જાતિઓના મહત્વના મુદ્દા ઉપર સંયુક્ત રાષ્ટ્ર લેવલે પણ કામ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો માલધારીઓ અને ખેત મજૂરોને અને દલિતોને ખેડૂત બનાવવા માટે, જમીનો ખુલ્લી કરાવવાના એવા અનેક આંદોલનોમાં જોડાયો છું. રાજકારણમાં મારો કર્મશીલ તરીકેનો રોલ જ વધારે મહત્વનો છે. જીગ્નેશ મેવાણી પણ એક આંદોલનકારી હતા, પાલ આંબલિયાની પણ ખેડૂતોના સંઘર્ષમાંથી જ આગળ આવ્યા છે.


​​​​​​​સેવાદળના લોકો રાજકારણમાં કેમ આગળ નથી આવતા તે અંગે તેઓ કહે છે કે, મને અનેક વખત ચૂંટણી લડવાની ઓફર થઈ છે. મને ખબર છે કે ગુજરાતના ચૂંટાયેલા અનેક નેતાઓ કરતા આખા ગુજરાતના લોકો મને વધારે ઓળખે છે, આખા ભારતના લોકો ઓળખે છે. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સેવાદળમાંથી આવ્યા છે.

કોંગ્રેસમાં પ્રવેશની વાતને યાદ કરતાં તેમણે કહ્યું કે, 2014ના વર્ષમાં જ્યારે કોંગ્રેસ છોડીને નેતાઓ ભાજપમાં જતા હતા. એ સમયે મેં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. માંડલ-બેચરાજી સર આંદોલનમાં એક લાખ એકર જમીન બચાવવા માટેનું આંદોલન થયેલું. જેમાં મારી મુખ્ય ભૂમિકા હતી. રાહુલ ગાંધીને તેની ખબર પડી એટલે મને સામેથી કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ મળ્યું. આમ તો અલગ અલગ પાર્ટીઓએ આમંત્રણ આપ્યું હતું પણ વૈચારિક રીતે કોંગ્રેસ પાર્ટી સૌથી સારી લાગી એટલે 10 વર્ષ પહેલાં હું કોંગ્રેસમાં જોડાયો.

તેમણે કહ્યું કે, ભારતની આઝાદીના 75 વર્ષ થયા ત્યારે 6 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદના ગાંધી આશ્રમથી દિલ્હી સુધીની પદયાત્રા યોજાઇ હતી. 58 દિવસ સુધી 1,275 કિલોમીટર ચાલીને 1 જૂને જ્યારે દિલ્હી પહોંચ્યા હતા. આ યાત્રાના અનુભવો મેં ઉદયપુરની ચિંતન શિબિરમાં મુક્યા હતા. જેના પછી 14 લોકોની કમિટી બની. એ 14 લોકોમાંથી 4 લોકોએ આગ્રહ રાખ્યો કે જનતાની લડાઇ લડવી હોય તો જનતાની સાથે રહેવું પડે એટલે રાહુલ ગાંધીએ પદયાત્રા કરવી જોઇએ. જેના કારણે રાહુલ ગાંધીની કન્યા કુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા યોજાઇ હતી. જેમાં મને કન્વીનરની ભૂમિકા મળી હતી. તેનું આખું ઇન્ટર્નલ મેનેજમેન્ટ છે મેં સંભાળ્યું હતું.


વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, પીડિત પરિવારોની માંગ નથી સંતોષાઇ. ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકારે અપેક્ષા મુજબ જ ગેમઝોન અગ્નિકાંડની તપાસમાં કુલડીમાં ગોળ ભાંગ્યો છે. અધિકારીઓને ક્લિનચીટ આપી ભીનું સંકેલવામાં આવ્યું છે. અમે અગાઉ પણ કહેતા હતા કે કોઈ નિષ્પક્ષ તપાસ થઇ શકશે નહીં. જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારી તપાસ સમિતિમાં સામેલ નહીં થાય ત્યાં સુધી કોઈ તપાસ થઇ શકશે નહીં. ભાજપના નેતાઓ અને અધિકારીઓને છાવરવાનું કામ આ સરકારે કર્યું છે એટલા માટે જ પીડિતોને ન્યાય અપાવવા માટે જ્યાં સુધી લડવું પડશે ત્યાં સુધી અમે લડીશું અને પીડિતોની સાથે ઊભા રહીશું.

આ યાત્રા 23મી તારીખે ગાંધીનગર પહોંચશે ત્યારે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો છેલ્લો દિવસ હશે. આવા સમયે કોંગ્રેસ પોતાની ન્યાય યાત્રાનું કેવી રીતે સમાપન કરીને શક્તિ પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું.