રીપોર્ટ@સીંગવડ: મનરેગાનો ભયંકર દૂરૂપયોગ, રોજગારીને બદલે સામાન ખરીદવાનો પ્લાન, જાણીને ચોંકી જશો

રોજગારી નહિવત્ અને માલસામાન ખરીદી બેફામ વધારે છે.
 
સીંગવડ તાલુકામાં મનરેગાનો દૂરૂપયોગ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સીંગવડ તાલુકામાં તમે માનો કે ના માનો પરંતુ એકબીજાની મિલીભગતથી અને આકાઓના આશીર્વાદથી મનરેગાનો ભયંકર દૂરૂપયોગ થઈ રહ્યો છે. આ દૂરૂપયોગ ગત વર્ષે તો એટલા હદે પહોંચી ગયો કે, મનરેગા કાયદો રોજગારી માટે છે કે સામાન ખરીદવાનો એ સમજવું ભારે થઈ પડ્યું છે. લેબર કામો વધુ કરાવવાને બદલે બાંધકામ કામો ઉપર તાકાત લગાવી કરોડોના મટીરીયલ બીલો બનાવી રહ્યા છે. હાલના પ્રમુખના પતિને પૂછતાં જણાવ્યું કે, વર્ષ 2019-20 ના રિપોર્ટ જોયા હતા પરંતુ તાજેતરના વર્ષોમાં થયેલા કામોનો રીપોર્ટ જોયો નથી. સીંગવડ તાલુકામાં એક વાત નક્કી છે કે, કોઈ રાજકીય પીઠબળથી અને વહીવટી મદદથી બેફામ મટીરીયલ ખર્ચ પાડવામાં આવી રહ્યો છે. આ પ્લાન કોણ અને કેમ કરી રહ્યું તેનો ઘટસ્ફોટ જાણીએ.


દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મનરેગાનો અર્થ રોજગારી નહિવત્ અને માલસામાન ખરીદી વધારે છે. છેલ્લા ચાર વર્ષથી રોજગારી ખર્ચ ઘટાડી ઈરાદાપૂર્વક મટીરીયલ ખર્ચ વધારવામાં આવ્યો છે. તમે સમજી લો કે, કુલ 100 રૂપિયાના ખર્ચમાં 60 રૂપિયા લેબર એટલે કે રોજગારી પાછળ અને માત્ર 40 રૂપિયા મટીરીયલ ખર્ચ માટેનો નિયમ છે. જોકે સીંગવડ તાલુકામાં ગત વર્ષ 2022-23 માં 15 કરોડથી વધુ રોજગારી માટે ખર્ચ્યા જ્યારે 60 કરોડથી વધુનો ખર્ચ સામાન ખરીદવા વાપરી દીધા છે. એટલે કે લેબરથી ચાર ગણી રકમ બિલ્ડીંગ મટીરીયલ પાછળ વાપરી છે. હવે આમાં પણ એક મોટો ઘટસ્ફોટ છે કે, સીંગવડ તાલુકાના ચારથી પાંચ ગામમાં કરોડોનો ખર્ચ એક એક વર્ષમાં કરવામાં આવ્યો છે તો શું આ ખર્ચ મુજબના કામો ગામમાં છે? આ સૌથી મોટો સવાલ છે. કોણ અને કેમ લેબરને બદલે માલસામાન પાછળ કરોડોના ખર્ચ કરી/કરાવી રહ્યું તે જાણશો તો ચોંકી જશો. નીચેના ફકરામાં વાંચી લો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સીંગવડ તાલુકામાં શિક્ષિત જાગૃતિ અન્ય તાલુકા કરતાં ઓછી છે. ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયામાં પણ ઘસારો ખૂબ ઓછો છે તેમજ ઓનલાઇન અને ઓફલાઈન કામોની ખરાઈ માટે પણ ખાસ મહેનતી નથી. આવી સ્થિતિમાં મોટા ગજાના રાજકીય ટેકાથી અને વહીવટી મદદથી મનરેગાનો દૂરૂપયોગ કરી મટીરીયલના કરોડોના બીલો બની રહ્યા છે. જો ટીડીઓ અને એપીઓ ધારે તો સીંગવડ તાલુકામાં મનરેગાનો દૂરૂપયોગ એકી ઝાટકે બંધ કરાવી રોજગારી ઉપર જોર લગાવી શકે છે. રોજગારી ઉપર વધારે ખર્ચ થાય તો સરકારી લેબર સીધું જોબકાર્ડ ધારકોને મળે અને મટીરીયલ પાછળ કરોડોની રકમ ખર્ચાય તો કોણ લાભ ઉઠાવી શકે એ સમજી શકો છો. આવતાં રીપોર્ટમાં જાણીશું એવા કયા ગામો છે જ્યાં કરોડોનો ખર્ચ કર્યો પરંતુ શું હકીકતમાં ત્યાં કામો છે ? કેટલી છે? તે બધું જાણીશું.