ઘટના@વાંકાનેર: ફોન પર વાત કરતી વખતે 2 માળથી નીચે પટકાતાં યુવકનું મોત નીપજ્યું

 વાતચીત કરતી વખતે પરપ્રાંતીય યુવકે બેલેન્સ ગુમાવ્યું
 
ઘટના@વાંકાનેર: ફોન પર વાત કરતી વખતે 2 માળથી નીચે પટકાતાં યુવકનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર મોતની ઘટનાઓ સામે આવતી હોય છે.  વાંકાનેરના રંગપરમાં ફેક્ટરીના ક્વાર્ટરના 2 માળની પાળી પર બેસીને મોબાઇલ પર વાતચીત કરતી વખતે પરપ્રાંતીય યુવકે બેલેન્સ ગુમાવ્યું હતું અને તે નીચે પટકાતા તેનું મૃત્યુ થયું હતું. ત્રણ દિવસ પૂર્વે જ યુવક ઓરિસ્સાથી પેટિયું રળવા આવ્યો હતો અને તેની જિંદગીનો અંત આવી ગયો હતો.

રંગપર ગામમાં આવેલી શિલ્પ કંપનીમાં કામ કરતો અને કંપનીના જ ક્વાર્ટરમાં રહેતો ઓરિસ્સાનો વતની અકરુર રૂપાધર બગરતી (ઉ.વ.22) મંગળવારે રાત્રે 11 વાગ્યે ક્વાર્ટરના બીજા માળની પાળી પર બેસીને મોબાઇલ પર વાતચીત કરતો હતો. વાતચીત દરમિયાન અકરુરે બેલેન્સ ગુમાવ્યું હતું અને તે બીજા માળેથી નીચે ખાબક્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકને વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અકરુર અગાઉ રંગપરની ઉપરોક્ત ફેક્ટરીમાં જ કામ કરતો હતો, બાદમાં તે વતન જતો રહ્યો હતો. ત્રણેક દિવસ પૂર્વે જ ફરીથી રંગપરમાં આ ફેક્ટરીમાં કામ કરવા આવ્યો હતો અને બીજા માળેથી પટકાતાં તેનું મૃત્યુ થયું હતું. અકરુર ત્રણ ભાઇમાં બીજા નંબરનો અને કુંવારો હતો. બનાવને પગલે કંપનીના અન્ય કર્મચારીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી.