રિપોર્ટ@પાટણ: સભ્યોના લીધે જિલ્લા પંચાયતનુ આયોજન રઝળ્યુ કે અધિકારીઓને લીધે? વિકાસને વિલંબમાં મૂકનારા કોણ

વિકાસનું આયોજન તૈયાર કરવામાં 
 
રિપોર્ટ@પાટણ: સભ્યોના લીધે જિલ્લા પંચાયતનુ આયોજન રઝળ્યુ કે અધિકારીઓને લીધે? વિકાસને વિલંબમાં મૂકનારા કોણ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


પાટણ જિલ્લા પંચાયતનાં 15 માં નાણાંપંચ બાબતે વિકાસનું આયોજન તૈયાર કરવામાં થયેલી લાલિયાવાડીની અસર નાની નથી. સરકારનું નાણાંકીય વર્ષ 2023 હવે પૂર્ણ થવાની નજીક છે છતાં 2023ના નાણાંપંચના વિકાસ કામો મંજૂર થવામાં ગંભીર હદે વિલંબમાં ગયા છે. પ્રથમવારના આયોજનમાં ખૂબ જ બેદરકારી કે ઈરાદાપૂર્વકની કળાને લીધે વિકાસ કમિશ્નરે સુધારેલી નિયમોનુસાર આયોજન બનાવવા આદેશ કર્યો હતો. આ પછી પણ અથવા ત્યારથી માંડીને આજસુધી સવારની સ્થિતિએ આયોજન મંજૂર થઈને પાટણ જિલ્લા પંચાયત આવ્યું નથી. 10 ટકા નાણાંપંચની ગ્રાન્ટથી ગામડાઓનો વિકાસ ચિંતાજનક રીતે વિલંબમાં ગયો છે ત્યારે વિકાસના રથને વિલંબમાં મૂકનારા કોણ એ સૌથી મોટો સવાલ છે. શું જિલ્લા પંચાયતના સત્તાધીન સભ્યોના વલણ કે ઈરાદાથી આયોજન ખોટું પડ્યું કે પછી જિલ્લા પંચાયતના જવાબદાર અધિકારીઓ નિયમોનુસાર આયોજન કરાવવા નિષ્ફળ ગયા ? આ બંને સવાલો વચ્ચે પાટણ જિલ્લા પંચાયતના 10ટકા નાણાંપંચના કરોડોના કામોનો રથ ગામમાં જવાને બદલે પાટણ અને ગાંધીનગર વચ્ચે રમી રહ્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ભાજપ શાસિત પાટણ જિલ્લા પંચાયતના અગાઉના પ્રમુખ, કારોબારી સહિતના સભ્યોએ કેટલાક મહિના અગાઉ 10ટકા લેખે નાણાંપંચનુ આયોજન બનાવી ડીડીઓ મારફતે વિકાસ કમિશ્નરને મોકલ્યું હતુ. આ આયોજનમાં લેવાના થતાં કામો બાબતે પહેલાંથી ચોક્કસ નિયમો અને જોગવાઈઓ છે. જોકે પૂર્વ પ્રમુખ અને તેમના સાથી સભ્યોએ બનાવેલું આયોજન જોઈ વિકાસ કમિશ્નરે પાછું મોકલી દીધું અને સરેરાશ 50ટકા કામો સુધારવાની નોબત આવી. આ પછી સભ્યો અને અધિકારીઓએ ફરીથી આયોજન તૈયાર કરી વિકાસ કમિશ્નરને મોકલ્યું હશે અથવા ત્રીજીવાર નવા પ્રમુખ અને સભ્યોએ સુધારો કરીને  મોકલ્યું હશે પરંતુ આજ સવાર સુધી વિગતો લઈએ ત્યાં સુધી મંજૂર થયેલું આયોજન આવ્યું નથી. એટલે કે જ્ઞાનના અભાવે અથવા ઈરાદાપૂર્વક પસંદગીના કામો લેવા અથવા અધિકારીઓની નિષ્કાળજી સહિતના કોઇપણ કારણે જિલ્લા પંચાયતના 10ટકા નાણાંપંચના કામો જમીન ઉપર આવ્યા નથી. કરોડોના કામોનો વિકાસ રથ રોકનાર અથવા વિલંબમાં મૂકનારા સભ્યો છે કે અધિકારીઓ ? આ સવાલનો જવાબ શોધવો પડે તેમ છે. નીચેના ફકરામાં વાંચો વિલંબથી થતી અસરો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના 10 ટકા નાણાંપંચની ગ્રાન્ટથી થતાં કરોડોના કામો વિલંબમાં જતાં સૌથી પહેલાં નજીકમાં આવતી લોકસભા ચૂંટણીને અસર કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. આ સાથે જિલ્લા પંચાયતના જે સભ્યો સાચું આયોજન બનાવી મંજૂર કરાવી કામો ઝડપી કરાવવા ઈચ્છતા હતા તેમને પણ મોટી અસર પહોંચી શકે છે આ સાથે કરોડોની ગ્રાન્ટથી આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા સહિતના કામો કરાવી સાચાં જનપ્રતિનિધિ બનવા ઈચ્છતા જિલ્લા પંચાયતના સભ્યોને તેમનાં મતવિસ્તારમાં જાગૃત નાગરિકોના સવાલનો સામનો કરવો પડે તો નવાઇ નહીં.