ખળભળાટ@વલસાડ: નાયબ ઈજનેરે 15 લાખની લાંચ માંગી, કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરતાં એસીબીએ 2 ઈજનેરને પકડ્યા
લાંચિયા ઈજનેરોએ અત્યાર સુધી આવી રીતે કરોડોની બેનામી આવક મેળવી હોઇ એસીબી, ઇન્કમટેક્સ અને ઈડી પણ તપાસમાં ઉતરે તેવી લોકમાંગ
Jan 10, 2023, 07:44 IST

અટલ સમાચાર ડોટ કોમ, વલસાડ
રાજ્યમાં લાંચિયા અધિકારીઓને શું કાયદાનો કોઈ ડર નથી ? વર્ગ 2 કક્ષાના અધિકારીઓ લાંચ પેટે એક બે નહિ પરંતુ 15 લાખ રૂપિયા માંગે અને સ્વિકારે તે ઘટના ચોંકાવનારી છે. સ્થાનિક સબ કોન્ટ્રાક્ટરે વર્ષ 2019-20 માં વલસાડની નદી ઉપરથી પસાર થતાં રસ્તાના બ્રિજનું સરકારી કામ કોન્ટ્રાક્ટ પેટે રાખ્યું હતું. આ રસ્તાનું કામ પૂર્ણ થતાં તેનું બીલ મંજૂર કરવા અવેજપેટે વલસાડ જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના વલસાડ પેટા વિભાગના અધિકારીઓએ લાંચ પેટે માન્યામાં ના આવે એટલા રૂપિયા માંગ્યા હતા. સરકારી કામ સમયસર કરવાનું હોય અને સરકાર પગાર આપે છતાં આ ઈજનેરોએ અધધધ..... રૂપિયાની ગેરકાયદેસર માંગણી કરી હતી. જોકે વલસાડ એસીબીની પારદર્શક કામગીરીને અંતે લાંચિયા ઈજનેરો ટ્રેપમાં ઝડપાઈ ગયા છે. માર્ગ મકાન પંચાયતના ઈજનેરો 15 લાખની લાંચ કેસમાં ઝડપાયા હોવાની વાત પ્રસરી જતાં ચકચાર મચી ગઇ છે.
વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઇજનેર નિલય ભરતભાઈ નાયક (વર્ગ-2, માર્ગ- મકાન પંચાયત) અને તે કચેરીના જ મદદનીશ ઈજનેર અનિરૂદ્ધ માધુસિંહ ચૌધરીએ હદપાર કહી શકાય તેટલાં રૂપિયાની લાંચ તરીકે માંગણી કરી હતી. એક સબ કોન્ટ્રાક્ટરે રસ્તાનું કામ પૂર્ણ કરી પોતાનું બીલ મેળવવા મહેનત કરી હતી. જોકે નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયક અને મદદનીશ ઈજનેર અનિરૂદ્ધ ચૌધરીએ ભેગાં મળીને મોટી રકમ લાંચ તરીકે મેળવવાં ગોઠવણ કરી હતી. આ માટે વિક્રમ કાંતિભાઈ પટેલ નામના ખાનગી વ્યક્તિને ગેરકાયદેસર રીતે લાંચના લાખો રૂપિયા લેવાનું કામ સોંપ્યું હતું. બંને અધિકારીએ એકબીજાના મેળપીપણામાં લાંચ બાબતની હેતુલક્ષી વાતચીત કરી રૂ.20,00,000/-ની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.15,00,000 નક્કી કર્યા હતા. જોકે લાંચના રૂપિયાથી કાળી કમાણી થાય તે પહેલાં મોટી ઘટના બની હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર વ્યક્તિ લાંચની રકમ રૂ.15,00,000 આપવા ઈચ્છુક ના હોઈ વલસાડ એસીબી પોલીસનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આથી ફરીયાદ આધારે એસીબી પોલીસે લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર નિલય ભરતભાઈ નાયક (વર્ગ-2, માર્ગ- મકાન પંચાયત) અને મદદનીશ ઈજનેર અનિરૂદ્ધ માધુસિંહ ચૌધરીએ આ ઘટનાક્રમ દરમ્યાન કોન્ટ્રાક્ટર સાથે લાંચ બાબતની જે કંઇ વાતચીત કરી હતી તે વાતચીતની એસીબી પોલીસે નોંધ કરી લીધી હતી. આ પછી લાંચના રૂપિયા લેવા નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયક અને મદદનીશ ઈજનેર અનિરુદ્ધ ચૌધરીએ પૂર્વ આયોજિત ગોઠવણ મુજબ ખાનગી વ્યક્તિ વિક્રમ પટેલને બોલાવી લીધો હતો.
આ વિક્રમ પટેલ વલસાડ જિલ્લા પંચાયતના મુખ્ય ગેટ પાસે બંને ઈજનેર વતી લાંચના રૂપિયા 15,00,000 સ્વીકારવા ગયો ત્યારે તુરંત એસીબી પોલીસ ત્રાટકી હતી. સફળ ટ્રેપ બાદ વિક્રમ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો અને પછી તુરંત નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયકને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે સ્થળ નજીકથી મદદનીશ ઈજનેર અનિરૂદ્ધ ચૌધરી મળી આવ્યો નહોતો.
આથી એસીબી પોલીસે લાંચ કેસમાં 2 અધિકારી અને ખાનગી વ્યક્તિ સહિત ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનો આચર્યો હોવાનો કેસ કરી એસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કેસમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી.સુરત એકમ તેમજ માર્ગદર્શક તરીકે આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમનો સપોર્ટ મળ્યો હતો.