વલસાડઃ પોલીસે 5.47 લાખની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી
crime  money

અટલ સમાચાર, ડેસ્ક

 

વલસાડ જિલ્લાના કપરાડા આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં ગુહાનો દર બહુ સામાન્ય છે. જોકે આ ગરીબ જનતાને છેતરીને નકલી નોટો ઘૂસાડવાનું એક સુઆયોજિત ષડયંત્ર બહાર આવ્યું છે. વલસાડ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, કપરાડામાં કેટલાક લોકો નકલી ચલણી નોટ બજારમાં વાપરવાની ફિરાકમાં છે ત્યારે પોલીસે તાત્કાલિક આ મામલે પેટ્રોલિંગ દરમિયાન 500 રૂપિયાની 1094 નોટો સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. વલસાડ પોલીસે 5.47 લાખની તમામ નોટો ફોરેન્સિક સાયન્ટિસ્ટ ઓફિસર અને બેંકના ઓથોરાઇઝ અધિકારી સાથે તપાસ કરાવતા તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે અને નાસિકના બાલા ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે.

ઝડપાયેલા તમામ આરોપી કપરાડા તાલુકાના રહેવાસી છે. જેઓ નજીવા કમિશન માટે નકલી નોટના કૌભાંડમાં ઝડપાયા છે. ઝડપાયેલા આરોપીના નામ ઈશ્વર રાબડે, યુવરાજ વળવી અને મોહનજી વરઠા છે. વલસાડ પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે, આ તમામ નોટો મહારાષ્ટ્રના નાસિકમાં છાપવામાં આવી છે. 500ની અસલી નોટને  કોમ્પ્યુટર સ્કેનર અને પ્રિન્ટરની મદદથી નકલી નોટ બનાવવામાં આવતી હતી. વોન્ટેડ આરોપી બાલા ચૌધરી અઢી લાખની અસલી નોટની સામે યુવરાજને 5 લાખની નકલી નોટ આપી હતી અને ત્યાર બાદ યુવરાજ વળવી જંગલ વિસ્તારમાં આદિવાસીઓને આ નકલી નોટ ચલાવવા બાકીના એજન્ટ નીમી કૌભાંડ કરતો હતો. હાલ 3 આરોપી પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે.
 

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આદિવાસી વિસ્તારમાં આ આરોપી નાણાકીય વ્યવહાર દરમિયાન નોટોના બંડલમાં ચારથી પાંચ જેટલી નકલી નોટો ઘૂસાડતા હતા. આ રીતે બજારમાં નકલી નોટો ફેરવવાનું કારોબાર કરતા હતા. સમગ્ર મામલે વલસાડ પોલીસે હાલ 1094 જેટલી નોટો કબજે કરી છે. જ્યારે આગામી દિવસોમાં બજારમાં ફરી રહેલી નકલી નોટને પણ શોધી તેને પણ તાત્કાલિક ઝડપવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. વલસાડ પોલીસ આ નકલી નોટોના કૌભાંડમાં નાસિક ટીમ મોકલી તાત્કાલિક બાલા ચૌધરીને પણ ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે. વલસાડ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો મોટું રેકેટ બહાર આવે તેવું મનાઇ રહ્યું છે.