વલસાડઃ મિત્રએ જમવાના બહાને બોલાવીને મિત્રની હત્યા કરી, મૃતદેહના હાથ-પગ બાંધી નદીમાં ફેંકી દીધો
હત્યા

અટલ સમાચાર, ડેસ્ક

 

વલસાડ નજીક આવેલા પાથરી ગામના નજીકથી પસાર થતી વાંકી નદીના પાણીમાં ગત 4 જુલાઈના રોજ એક વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના હાથ પગ બાંધેલા હતા. કોથળામાં મૃતદેહને ભરવામાં આવ્યો હતો. મૃતકની કોઈએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતું. વાંકી નદીના પાણીમાંથી હત્યા કરાયેલી હાલતમાં બાંધેલી અવસ્થામાં મળી આવેલા મૃતક વલસાડના ચણવઇ ગામના વિકાસ પટેલ નામના યુવકનો હોવાનું બહાર આવ્યું હતું. મૃતક વિકાસ પટેલ થોડા દિવસ અગાઉ જ માછીમારી કરીને વહાણમાંથી ઘરે પરત ફર્યો હતો. અચાનક જ તેની હત્યા થતા ચકચાર મચી ગઇ હતી.

મૃતકની ઓળખ કર્યા બાદ ઊંડાણપૂર્વક તપાસ કરતાં મૃતક વિકાસના એક સમયના મિત્ર અને બુટલેગર એવા મિતેશ પટેલ  ઉર્ફે ઢોકલો નામના એક માણસ સુધી પોલીસ પહોંચી હતી. વલસાડના અતુલ નજીકનો રહેવાસી મિતેશ ઉર્ફે ઢોકલા દારૂનો ધંધો કરતો હતો. બુટલેગર એવા મિતેશ સાથે મૃતક વિકાસ અગાઉ કામ કરતો હતો અને દારૂની ખેપ મારતો હતો. જોકે, જે તે સમયે મિતેશ ઉર્ફે ઢોકલોનું વાહન પોલીસે ઝડપી પાડ્યું હતું. મૃતક વિકાસ પોલીસને બાતમી આપીને દારૂ અને વાહનો પકડાવતો હોવાની બુટલેગર મિતેશને શંકા ગઈ હતી. આથી આ અંગત અદાવતમાં જ મિતેશ પટેલ ઉર્ફે ઢોકલોએ વિકાસની હત્યા કરી નાખી હતી.મિતેશ ઘણા દિવસથી વિકાસની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ મૃતક વિકાસ માછીમારી કરીને વહાણમાંથી ઘરે પરત ફર્યો હોવાની જાણ આરોપીને થતા તેણે દોસ્તીના બહાને મૃતક વિકાસને જમવાનું આમંત્રણ આપી બોલાવ્યો હતો. બંને સાથે વલસાડ નજીક હાઇવે પર આવેલી હોટલ નજીક ગયા હતા. અહીં આરોપી મિતેશે મૃતકને ખાવાનું લેવા મોકલાવ્યો હતો.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
બાદમાં બંને મિત્રો સાથે બેસીને વાંકી નદી નજીક આવેલા એક મેદાનમાં જમવા બેઠા હતા. સાથે જમ્યા બાદ બંને ઘરે આવવા છૂટા પડી રહ્યા હતા. આ સમયે જ મોકો જોઇને આરોપી મિતેશે મોટો પથ્થર મારીને મિત્રની હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતદેહને સગેવગે કરવા માટે તે ઘરેથી પ્લાસ્ટિકની દોરી અને પ્લાસ્ટિકની કોથળો લાવ્યો હતો અને મૃતદેહના હાથ-પગ દોરીથી બાંધી, કોથળીમાં ભરીને નદીમાં ફેંકી દીધો હતો. પોલીસના હાથ ઝડપાયેલા આરોપી મિતેશના ગુનાહિત ઇતિહાસનું લિસ્ટ પણ લાબું છે. આરોપી પર બુટલેગિંગના સાત ગુના દાખલ છે. હવે હત્યાનો ગુનો દાખલ થયો છે.