વલસાડઃ ત્રણ આરોપીઓએ ભેગા થઈ ટ્યુશન જતી કિશોરીને ગળુ કાપી હત્યા કરી, પરિવારમાં માતમ છવાયો
વલસાડ

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એકતરફી પ્રેમીના ત્રાસના બનાવો વધ્યા છે. બેખોફ થઈને ફરતા આવારા તત્ત્વોને પોલીસનો ડર જ લાગતો નથી તે રીતે જાહેરમાં હત્યા કરતા પણ અચકાતા નથી. મહત્વનું છે કે, દસ દિવસ પહેલાં ખેડાના માતરમાં ભરબજાર વચ્ચે સરાજાહેર આધેડે કિશોરીનું ગળું કાપીને હત્યા કરી હતી. તો ગઈકાલે, વલસાડના ઉમરગામ તાલુકાના દહાડ ગામે ત્રણ આરોપીઓએ ભેગા થઈ ટ્યુશન જતી કિશોરીને પતાવી દીધી હતી. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. બપોરે 11 વાગ્યે પોલીસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ જાણકારી પણ આપવાની છે. ઉલ્લેખનીય છે કે, બંને હત્યા કેસમાં એકતરફી પ્રેમ જવાબદાર છે.

ઉમરગામના દહાડમાં કિશોરીની હત્યા કરાઈ

25 ઓગસ્ટે ઉમરગામના દહાડ ગામે એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ માટે જઈ રહી હતી ત્યારે ત્રણ યુવકે તેને ઘેરી લીધી હતી. ત્યારબાદ એકાંતનો લાભ લઈ આરોપીઓએ કિશોરીના ગળે છરીના 8 ઘા મારી ક્રૂર હત્યા કરી હતી. પોલીસે આ મામલે 2 આરોપીની ધરપડક કરી છે અને 1 આરોપી ફરાર છે. હાલ પોલીસે નજીકના સીસીટીવી મારફતે આગળની તપાસ હાથ ધરી છે.


 મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, ‘મારી બહેન ટ્યુશન ક્લાસથી છૂટીને બહેનપણીને મૂકવા ગઈ હતી. ત્યારથી પાછી ફરી રહી હતી ત્યારે ત્રણ આરોપીઓએ તેને ચાર રસ્તે રોકી હતી અને તેનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. તે વારંવાર આ બાબતે ફરિયાદ કરતી હતી કે આરોપીઓ તેને હેરાન-પરેશાન કરતા હતા. તેનો પીછો કરતા હતા. મેં અને મારા પપ્પાએ એકાદ વાર તેને માર પણ માર્યો હતો પરંતુ છતાં તે સુધર્યો નહોતો.’ તો વધુ એક મૃતકના સ્વજન જણાવે છે કે, આરોપી પહેલાં પણ ચોરીના ગુનામાં પકડાયેલો છે.