વલસાડઃ બાઇક અને સ્કૂલ વાનને અકસ્માત સર્જાયો, 9 બાળકો સહિત 1 શિક્ષિકા હતા સવાર, એકનું મોત
van

અટલ સમાચાર, ડેસ્ક


વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની સરહદ પર આજે એક સ્કૂલ વાનને અકસ્માત  સર્જાયો હતો. ઉમરગામ અને મહારાષ્ટ્રના સાતપાટી ગામ નજીક રોડ પરથી પૂર ઝડપે દોડી રહેલી એક સ્કૂલ વાનની એક બાઈક સાથે ટક્કર થઈ હતી. બાઈક સાથે ટક્કર થયા બાદ સ્કૂલ વાન વીજ થાંભલા સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી. અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ સ્કૂલ વાનમાં નવ બાળકો અને એક શિક્ષિકા સવાર હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના બાજુમાં આવેલી એક કંપની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવ બન્યા બાદ નજીક આવેલી  કંપનીના કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલી સ્કૂલ વાનમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર મહારાષ્ટ્રના સાતપાટી નજીક સ્કૂલ વાનને નડેલા આકસ્માતના લાઈવ દ્રશ્યોનો સીસીટીવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.