રીપોર્ટ@વલસાડ: શાળામાં સાયન્સ લેબના કામમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ, ટેન્ડરમાં સેટિંગ્સ વગર આ શક્ય બને?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
વલસાડ જિલ્લામાં ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન વિકાસશીલ તાલુકાઓની યોજના હેઠળ થયેલ એક કામમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ ઉભરી આવી છે. મોડેલ સ્કૂલમાં સાયન્સ લેબના કામમાં જે પ્રકારે ખૂબ ઉતાવળે થયેલી પ્રક્રિયા, ટેન્ડરની કામગીરી, ભાવ એક પૈસો પણ ડાઉન નથી થયા, તુરંત ચૂકવણી સહિતનો અભ્યાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ પકડાઇ શકે છે. આ સાથે સપ્લાયર એજન્સીએ આપેલ માલસામાનની ગુણવત્તાનો પ્રશ્ન પણ અલગ છે. સૌથી મોટો સવાલ ત્યાં થાય કે, 20 લાખના ટેન્ડરમાં પૂરેપૂરા 20 લાખનો કેવીરીતે વર્કઓર્ડર થાય? રિવર્સ ઓક્શન થયું હતું? જો અનેક વેપારીઓ હોય અને કાર્ટેલ ના કરી હોય તો સો ટકા ભાવો ડાઉન થાય. જાણીએ અધિકારીએ શું કહ્યું અને શું છે સમગ્ર અહેવાલ.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામે આવેલી માધ્યમિક મોડેલ સ્કૂલમાં વિકાસશીલ યોજના અંતર્ગત સાયન્સ ટિકરીંગ લેબ માટે 20 લાખની ગ્રાન્ટ મળી હતી. આ માટે જિલ્લા આયોજન અધિકારીની કચેરી સહ જિલ્લા આયોજન સમિતિએ વહીવટી મંજૂરી આપ્યા બાદ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સાયન્સ લેબની કીટ/સામાન ખરીદવા ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા કરી હતી. આ કાગળ ઉપરની મંજૂરીઓ એકદમ ઝડપી સરેરાશ 10થી 15 દિવસમાં પૂર્ણ થઈ પછી જે ટેન્ડર થયું તેમાં ભ્રષ્ટાચારની બદબૂ આવી રહી છે. આ સાયન્સ લેબના સામાન માટે ટેન્ડર થયું, ભાવોની હરિફાઈ પણ થઈ હશે છતાં પૂરા 20 લાખનો વર્ક ઓર્ડર આપ્યો અથવા આપવો પડ્યો. પારદર્શક અને સરકારનાં નાણાંકીય હિત માટે ટેન્ડર થયું હોય તો ભાવો ડાઉન કેમ ના ગયા ? વાંચો નીચેના ફકરામાં
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેન્ડર પ્રમાણે જે ચીજવસ્તુઓ ખરીદવાની હતી તેનો બજાર ભાવ જોઈએ તો 20 લાખથી ઓછી રકમમાં મળી શકે છે. હવે જો વેપારીઓને ભાવ ઘટાડો કરવા પોષાય તેમ ના હોય અને અનેક વેપારીઓ હોય તો કાર્ટેલ કર્યું હોય તેની પૂરેપૂરી શક્યતા છે. જાણકારોના મતે, ગવર્નમેન્ટ ઈ મારકેટપ્લેસ ઉપરથી ખરીદી કરતી કચેરીને જો ઓછાં ભાવે ખરીદવું હોય અને જો ભાવ ના ઘટતાં હોય તો પણ રિટેન્ડર કરવાની અને ખુલ્લા બજારમાં ભાવો લઈ સરકારનું નાણાંકીય જાળવવાની સત્તા છે. અહિં જે પ્રકારે ખૂબ જ ઝડપી કાગજી પ્રક્રિયા થઈ અને કામ પૂર્ણ કરી/કરાવી ચૂકવણું થયું તે પણ અનેક સવાલો ઉભા કરે છે. આ તમામ બાબતે સવાલ કરતાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી(ઇન્ચાર્જ) ટંડેલ મેડમે જણાવ્યું હતું કે, ભરતી કામમાં વ્યસ્ત હોઇ સદર વિષયે જોવડાવી લેશું. આગામી ન્યૂઝ રીપોર્ટમાં ક્યાં શું અને કોણે ચૂક કરી અથવા કરાવી તે જાણવા પ્રયાસ કરીશું.