સ્પેશ્યલ@વલસાડ: પારડીપાલિકાની 3.5 કરોડની સ્ટ્રીટ લાઈટ પ્રમુખે ખરીદી, સીઓ અજાણ, તત્કાલ તપાસ શરૂ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગુજરાત સરકાર અને દેશભરની વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ વિવિધ ચીજવસ્તુઓ, સેવાઓ, લગતની ખરીદી ઓનલાઇન કરે છે. ભારત સરકારે ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ખરીદી કરવા જોગવાઈ કરી છે ત્યારે વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા દ્વારા ચોંકાવનારી વિગતો ખરીદ પ્રક્રિયા દરમ્યાન સામે આવતાં હડકંપ સાથે ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકાના ચીફ ઓફિસરને કંઈ ખબર નથી અને સાડા ત્રણ કરોડથી વધુનું ટેન્ડર બાયર તરીકે પ્રમુખે કરી દેતાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. ટેન્ડરમા ખરીદી કરનાર પ્રમુખ કેવીરીતે હોઈ શકે તે સવાલથી પાલિકા જ નહિ રિજીઓનલ કમિશ્નર સુધીના ચોંકી ગયા છે ત્યારે ટેન્ડરમા પૂર્વ આયોજિત સેટિંગ્સ હતું કે કેમ તેની પણ તપાસ સંભવિત બની છે. જાણીએ સમગ્ર અહેવાલ.
વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકા દ્વારા વખતોવખત ઠરાવ અને સામાન્ય સભા બાદ જેતે વસ્તુઓ/સેવાઓની ખરીદી થતી રહેતી હોય તે સ્વાભાવિક છે. જોકે હાલના એક સ્ટ્રીટ લાઈટ વર્ક ઈન ઓજી એરિયા પારડી નગરપાલિકા લગતના ટેન્ડરમા તમે વિચારી ના શકો તેવી સ્થિતિ સામે આવી છે. સરેરાશ સાડા ત્રણ કરોડનું બીડ ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર અપલોડ થયું ત્યારે સામે આવ્યું કે બાયર એટલે કે ખરીદી કરનાર ચીફ ઓફિસર કે કોઈ કર્મચારી નથી પરંતુ ખુદ પાલિકા પ્રમુખ છે. સરકારી કચેરીઓના દ્વારા થતી ખરીદી અધિકારી અથવા કર્મચારી મારફતે હોય પરંતુ પારડી પાલિકામાં પ્રમુખે જ ખરીદી કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે જ્યારે ચીફ ઓફિસરને પૂછતાં જણાવ્યું કે, મને તો આ ટેન્ડર વિશે કાંઈ ખબર નથી, એન્જિનિયર કહે હું હમણાં જ આવી છું મને પણ ખબર નથી. વાંચો નીચેના ફકરામાં હડકંપ ક્યાં મચ્યો
જ્યારે આ ટેન્ડર અંગે પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકાને પૂછ્યું તો જણાવ્યું કે, નાના કર્મચારીથી માંડી ચીફ ઓફિસર સુધીના કરાર આધારિત છે. આ કરારવાળી વાત આવતાં રિજીયોનલ કમિશ્નર, સુરતને પૂછતાં જણાવ્યું કે, ચીફ ઓફિસરે જ ખરીદી કરવાની થાય. અહેવાલ મંગાવ્યો અને જરૂર લાગશે તો ટેન્ડર રદ્દ પણ થશે. હવે અહિં સૌથી મોટો સવાલ થાય કે, આ પ્રમુખ મારફતે ખરીદી કરવા પાલિકાના કયા કર્મચારીએ ભૂમિકા ભજવી? આટલુ જ નહિ, ટેન્ડરમા બનાવટી સ્પર્ધા કરી રિવર્સ ઓક્શનને મજાક સમાન બનાવી પૂર્વ આયોજિત રીતે ચોક્કસ ઠેકેદાર/ગૃપને ટેન્ડર આપવા/અપાવવા કોણે ભૂમિકા આપી તેની પણ તપાસ જરૂરી બનતી જાય છે.

