ખળભળાટ@વલસાડ: રેન્જ ફોરેસ્ટે વર્ષોથી બંધ ટ્રેક્ટરનો નિયમિત ડીઝલ ખર્ચ પાડી કૌભાંડ આચર્યુ

 
Valsad rfo office tractor

આરએફઓ બચાવમાં બોલ્યા, ટ્રેક્ટર ચાલુ છે પરંતુ પ્રામાણિક મહિલા ફોરેસ્ટરે કહ્યું, હું તો એક વર્ષથી બંધ પડેલું જોઉં છું

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

વલસાડ ઉત્તર વનવિભાગના અધિકારી વિરુદ્ધની અરજી ઉપર હજુ તપાસ પૂર્ણ થઈ નથી અને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. વલસાડ રેન્જમા વર્ષોથી બંધ હાલતમાં પડેલું અને તદ્દન બિનઉપયોગી ટ્રેક્ટર કાગળ ઉપર દોડી રહ્યું છે. એટલે કે, કબાડી જેવા બંધ, મૃતપ્રાય ટ્રેક્ટર ઉપર વલસાડ રેન્જ ફોરેસ્ટ દ્વારા નિયમિત ડીઝલ ખર્ચ કરવામાં આવ્યો છે. સરકારની આંખમાં ધૂળ નાખી એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર ડીઝલ ખર્ચ બતાવી રીતસર સરકારી નાણાંની લૂંટ ચલાવતાં હોવાનું સામે આવ્યું છે. તીથલ બીચ ઉપર પાર્કિંગ એરિયામાં વર્ષોથી બંધ હાલતમાં પડી રહેલા ટ્રેક્ટરને કાગળ ઉપર હરતું ફરતું બતાવી જે કૌભાંડ આચરવામાં આવ્યું તે ખૂબ ચોંકાવનારું પણ છે. નીચેના ફકરામાં વાંચો ભંગાર હાલતમાં ટ્રેક્ટર ઉપર કોણ કેવી રીતે કરી રહ્યું બેનામી કમાણી

વલસાડ શહેરમાં વનવિભાગના ઉત્તર અને દક્ષિણ ડીવીઝન છે તે પૈકી ઉત્તર વનવિભાગની વલસાડ રેન્જમાં પૂર્વે ક્યારેય કોઈએ ના કર્યું હોય તેવું કૌભાંડ થયું હોવાનુ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. વલસાડ રેન્જમાં આવતા તીથલ બીચ નજીકના એરિયામાં કૌભાંડનો જન્મ થયો હતો અને ત્યાંથી જ બેનામી આવક ઉભી કરી રહ્યા હતા તેના જવાબદારો. તીથલ બીચ ઉપર ઉત્તર વનવિભાગના પાર્કિંગ એરિયામાં પાછલાં ઘણાં વર્ષોથી એક ટ્રેક્ટર અને તેની સાથેનું ટેન્કર પડી રહેલું છે. આ બંધ ટ્રેક્ટર ઉપર ઉત્તર વનવિભાગની વલસાડ રેન્જ મારફતે મોટાપાયે અને નિયમિત ડીઝલ ખર્ચ પાડવામાં આવી રહ્યો છે. જે ટ્રેક્ટર વર્ષોથી ભંગાર જેવી હાલતમાં છે તેમ છતાં તેને કાગળ ઉપર ઉપયોગમાં બતાવી સરકારમાં ડીઝલ ખર્ચના બીલો આપી નાણાં ખેંચવામાં આવી રહ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમને સંપૂર્ણ જાણ કે, ટ્રેક્ટર બંધ અને મૃતપ્રાય છતાં પેટ્રોલપંપ પાસેથી ગેરકાયદેસર ડીઝલના બીલો ઉધારવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે વલસાડ રેન્જના આરએફઓ વાઘેલાને પૂછતાં જણાવ્યું કે, કુલ 3 વાહનો ચાલુ હાલતમાં અને ડીઝલ ખર્ચ પડતો હોવાનો સ્વિકાર કર્યો તેમાં સદર ટ્રેક્ટરને પણ ગણાવ્યું હતુ. હવે આ ટ્રેક્ટર વર્ષોથી બંધ હાલતમાં અને સંપૂર્ણ બિનઉપયોગી હોવા છતાં કેવી રીતે અને કોના કહેવાથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ડીસીએફ કચેરીના જવાબદારો ડીઝલ ખર્ચ પાડતાં રહ્યા? વાત આટલી નથી, તીથલ બીચ ઉપરના સ્ટોલ સંચાલકો, વેપારીઓ, પ્રવાસીઓ, સીસીટીવી કેમેરા, પાર્કિંગ સ્ટાફ સહિતનાની નજર સમક્ષ આ ટ્રેક્ટર બંધ પડેલું છે તો આરએફઓ નિયમિત રીતે ડીઝલ ખર્ચ મંજૂર કરી ડીસીએફ કચેરી પાસે મંજૂરી અર્થે મોકલતાં રહ્યા. આટલુ જ નહિ, આરએફઓ પ્રદિપ વાઘેલાએ આ ટ્રેક્ટરને ઉપયોગમાં અને ડીઝલ ખર્ચમાં ગણાવ્યું તો સામે મહિલા ફોરેસ્ટરે કહ્યું કે, મારી એક વર્ષની ફરજથી સતત આ ટ્રેક્ટર તીથલ બીચ ઉપર બંધ હાલતમાં છે. આવી સ્થિતિમાં આ ટ્રેક્ટરનો ડીઝલ ખર્ચ શું સરકારી નાણાંની એકબીજાનાં મેળાપીપણામાં લૂંટ કેમ ના કહેવાય? બીજા ન્યૂઝ રિપોર્ટમાં બંધ ટ્રેક્ટર ઉપર વધુ એક સૌથી મોટો ચકચારી ઘટસ્ફોટ જાણીશું.