ખળભળાટ@સંતરામપુર: મનરેગામાં વહીવટી મંજૂરી વખતે થાય છે તોડબાજી? કોને ઉઘરાવ્યા 65 લાખ?

 
Santrampur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં ભ્રષ્ટાચારના અનેક રીપોર્ટ બાદ હવે જે માહિતી સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. લાખો કરોડોના કામોની વહીવટી મંજૂરી આપવા-લેવા દરમ્યાન એડવાન્સ સેટિંગ્સ થતું હોવાની બૂમરાણ મચી છે. ચેકડેમ અને કૂવાના કામોમાં વહીવટી મંજૂરી પૂર્વે એકબીજા વચ્ચે શું તોડબાજી થાય છે? જે ગામોમાં વહીવટી મંજૂરી આવે તે ગામના ચોક્કસ ઈસમે નોટોનો વહેવાર આપવો પડે છે ? આ સવાલો વચ્ચે એક ગંભીર લોકચર્ચા આવી કે, થોડાં દિવસો પહેલાં કોણે આ સોદાબાજી વાળા કામોની વહીવટી મંજૂરી પેટે 65 લાખની ઉઘરાણી કરી છે ? ભ્રષ્ટાચારની હદ તો જુઓ, વહીવટી મંજૂરી બાદ પણ ટકાવારી તો ઉભી જ રહે તેવી પણ ચર્ચા થતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ભ્રષ્ટાચારનો સાગર છલકાયો છે? મનરેગામાં વહીવટી મંજૂરી મુદ્દે જબરજસ્ત બૂમરાણ છે ત્યારે અટલ સમાચાર ડોટ કોમના રિપોર્ટ બાદ જે વિગતો રજૂ થઈ રહી છે ચોંકાવી રહી છે. કેમ કે, વહીવટી મંજૂરી એ નિયમોનુસાર અને રૂટિન પ્રક્રિયા છે પરંતુ ચોક્કસ ગામમાં ચોક્કસ પ્રકારના કામોની વહીવટી મંજૂરી માટે શું ભ્રષ્ટચારની સોદાબાજી થાય છે ? આ સવાલ એટલા માટે ઉભો થયો કે, હજુ થોડા દિવસો પહેલાં મનરેગા સાથે સીધી યા આડકતરી રીતે અથવા વચેટિયા તરીકે સંકળાયેલા કોઈ ઈસમે તાલુકાના ગામોમાંથી સરેરાશ 65 લાખ જેટલી રકમ ઉઘરાવી છે‌. આ શંકાસ્પદ ઉઘરાણી શેના માટે થઇ એ જાણતાં જે વાત ચર્ચાઈ રહી છે તે અત્યંત ગંભીર છે. મનરેગા હેઠળ ચેકડેમો અને કુવાઓ બનાવવાની વહીવટી મંજૂરી જે ગામોમાં આપી ત્યાં ભ્રષ્ટાચારના બીજ રોપાયાં છે. સોદાબાજી આપનાર અને લેનાર વચ્ચે થાય તે સંદર્ભે જોઈએ તો લોકમુખે ચાલતી ચર્ચા પ્રમાણે શું વહીવટી આપનાર શંકાના દાયરામાં છે ? જ્યાં વહીવટી મંજૂરી અપાઇ છે ત્યાં વાળા શંકાના દાયરામાં છે?

સૂત્રોએ જણાવ્યું હતું કે, જો વહીવટી મંજૂરી સો ટકા દુધ ધોયેલી છે તો સત્તાધીન પાર્ટીના જ પદાધિકારીઓ કેમ આક્રોશમાં છે ? ઉઘરાણી દરમ્યાન કેમ રકમ બાબતે ચકમક ઝરી ? જો વિવાદાસ્પદ વહીવટી મંજૂરી બાબતે સંતરામપુર તાલુકાના પ્રામાણિક સરપંચો અને આક્રોશિત પદાધિકારીઓને ખાનગી રીતે રૂબરૂ બોલાવીને ડીડીઓ કે પ્રમુખ દ્રારા પૂછવામાં આવે તો મોટો ખુલાસો થાય તેવી શક્યતા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. આ વહીવટી મંજૂરી બાબતે વધારો ખુલાસો ત્યારે પણ થાય કે, જ્યારે વહીવટી મંજૂરી પૈકીના ચેકડેમો અને કૂવાઓની વારંવાર સ્થળ તપાસ ગોઠવવામાં આવે તો નવનિયુક્ત ડીડીઓ આગળ ભ્રષ્ટાચારીઓ ખુલા પડી શકે છે.