મર્ડર@વાપી: તાલુકા ભાજપના ઉપપ્રમુખ ઉપર ફાયરિંગ, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત

 
Vapi Murder

અટલ સમાચાર, ડેસ્ક

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પર રાતા પાસે કારમાં જ ફાયરિંગ થઇ હતી. જેમા તેમની હત્યા થઇ હોવાનું સામે આવ્યુ છે. ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે શિવ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. 

કોચરવા ગામના વતની શૈલેષ પટેલ આજે વહેલી સવારે રાતામાં આવેલા મંદિરમાં પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. પરિવાર મંદિરમાં જઇને દર્શન કરી રહ્યો હતો. જ્યારે શૈલેષ પટેલ તેમની કારમાં અંદર બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યુ હતુ. આ લોકો ફાયરિંગ બાદ ફરાર થઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ફાયરિંગમાં શૈલેષ પટેલ કારમાં જ ઢળી પડ્યા હતા. તેમને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. આ ઘટના બાદ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સ્થાનિક પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. હાલ જૂની અદાવતમાં તેમની હત્યા થઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.