રીપોર્ટ@પાટણ: વનવિભાગનો વહીવટ, ટેન્ડરોની માહિતી નહિ આપવા વિવિધ હથકંડા

 
Patan

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ વનવિભાગનો વહીવટ કેટલો પારદર્શક છે એ તો સીસીએફ ખૂબ સારી રીતે કહી શકે પરંતુ જો તમારે એક નાગરિક તરીકે સમજવું અને જાણવું હોય તો સ્વઅનુભવ સિવાય આ રીપોર્ટ તમને મદદરૂપ બનશે. કેટલાક મહિનાઓથી પાટણ વનવિભાગ પાસેથી ટેન્ડર સંબંધિત માહિતી માટે થયેલા પ્રયાસો અને તેની સામે થયેલી ગતિવિધિ જાણવી મહત્વની બનશે. ટેન્ડર પ્રક્રિયા અને નાણાંકીય ચૂકવણા બાબતની માહિતી માટે અપીલ થઈ અને જે હુકમ થયો અને હુકમ આધારે કાગળો થયા છતાં માહિતી વિલંબમાં મૂકી અથવા અટકાવી દીધી છે. જાણીએ સમગ્ર અહેવાલ‌.

પાટણ વનવિભાગ દ્વારા ગત નાણાંકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમ્યાન વિવિધ કામે કરવામાં આવેલ ટેન્ડર, વર્ક ઓર્ડર અને ચૂકવણું બાબતની વિગતો માંગવામાં આવી હતી. જેની સામે માહિતી અધિકારીએ માત્ર શરતો અને લેબરોની વિગતો આપી પરંતુ ટેન્ડર સામે આવેલ એજન્સીઓ, મંજૂર એજન્સીઓ અને ચૂકવણું કર્યાની કોઈ જ માહિતી આપી નહિ. આટલું જ નહિ ટેન્ડર માટે અખબારમાં આપેલ જાહેરાત પણ ખરેખર અખબારમાં આપી હોય તેવું સિધ્ધ ના થાય તેવી કોમ્પ્યુટર કોપી આપી હતી. આ પછી મામલો અપીલમાં ગયો અને નાયબ વન સંરક્ષકે હુકમ હુકમ કર્યો કે, કેટલીક માહિતી મળશે અને કેટલીક નહિ મળે. જોકે આ પછી માહિતી ના આપવી પડે અને હુકમ સામે બચાવ થાય તે માટે જે કાગળો રજૂ કર્યા તેમાં પણ એજન્સીઓની માહિતી રોકી દેવામાં આવી. આટલુ જ નહિ, માહિતી અધિકારી એવું કહે છે કે, માહિતી મળશે ત્યારે આપીશું. તો શું માહિતી અધિકારી પાસે માહિતી નથી ? આ બાબતે નીચેના ફકરામાં વાંચો મોટો ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું, અપીલ અધિકારી એવા નાયબ વન સંરક્ષકે એજન્સીઓની માહિતી માટે મનાઈ નહોતી કરી પરંતુ આપવાની મન્છા ઉપર સવાલ કેમ બને તે સમજીએ. જે એજન્સીઓને ટેન્ડર લાગ્યા તેની માહિતી અને સરકારના નાણાં કોને અને કેવી રીતે ચૂકવ્યા તેની માહિતીથી બચવા ચોંકાવનારા શબ્દો ઉપયોગ થયા છે. માહિતી અધિકારી કહે છે કે, એજન્સીઓ સંબંધિચ માહિતી ત્રાહિત પક્ષકારને લગત હોવાથી માહિતી મળ્યેથી માહિતી પૂરી પાડવામાં આવશે. હવે અહીં સવાલ થાય કે, શું માહિતી અધિકારી જોડે માહિતી નથી ? જો નથી તો માહિતી અધિકારીએ સદર માહિતી મેળવવા કોઇ પ્રયાસ કર્યો છે ? જો કોઈ પ્રયત્ન કર્યો છે તો અરજદારને જાણ કરી છે? ટેન્ડરો કોને મળ્યા છે અને ટેન્ડર મેળવનારને સરકારનાં નાણાં ચૂકવવામાં આવ્યા તે માહિતી ત્રાહિત પક્ષકારની ગણી શકાય ? જો ત્રાહિત પક્ષકારની હોય તો ત્રાહિત પક્ષકાર કેમ માહિતી નથી આપી શકતાં તેનો જવાબ કે ખુલાસો લીધો ? અહીં આ તમામ ઘટનાક્રમ જોતાં પાટણ વનવિભાગના ટેન્ડર બાબતે સરકારશ્રીના હિતમાં માહિતી મળવી અગત્યની છે.