બિગબ્રેકિંગ@ગુજરાત: AAPના દિગ્ગજ નેતા ભેમાભાઈ ચૌધરીનું રાજીનામું, જાણો કયા પક્ષમાં જોડાશે ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં AAPના દિગ્ગજ નેતા ભેમાભાઈ ચૌધરીએ પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપી દીધું છે. વિગતો મુજબ ભેમાભાઈ ચૌધરી દિયોદર વિધાનસભાની ચૂંટણી પણ આપના બેનર હેઠળ લડ્યા હતા. જોકે હવે તેમના રાજીનામાંથી રાજકારણ ગરમાઈ ગયું છે. આ તરફ જ્યારે ભેમાભાઈ ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, મે રાજીનામું આપ્યું છે. જોકે તેઓ હવે કયા પક્ષમાં જોડાશે તેને લઈ કોઈ ચોખવટ કરી નહોતી.
આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપનાર ભેમાભાઈ ચૌધરી AAPના પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. આ સાથે તેઓ બનાસકાંઠામાં AAPનું નેતૃત્વ કરતા હતા. વિગતો મુજબ ભેમાભાઈ 2012થી AAP સાથે સંકળાયેલા હતા. ભેમાભાઈ ચૌધરીએ ગઇકાલે રાત્રે જ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
સમગ્ર મામલે ભેમાભાઈ ચૌધરીએ એક પોસ્ટમાં કહ્યું છે કે, આપણે સૌ સાથે મળી 2012 થી 2023 સુધી પરિવર્તનની લડાઈમાં મજબૂતાઇથી લડ્યા છીએ. સૌ ક્રાંતિકારી કાર્યકર્તાઓ દ્વારા રાત દિવસ મહેનત કરી પાર્ટી ને રાષ્ટ્રીય પાર્ટી બનાવી .તેનો મને પણ આનંદ છે. ખૂબ સંઘર્ષ કર્યો અને અત્યાર સુધી સૌ ક્રાંતિકારી સાથીઓ દ્વારા ખૂબ સાથ અને સહકાર મળ્યો તેમના સાથે કામ કરવાનો મોકો મળ્યો.તે તમામ સાથીઓનો દિલ થી ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
આ સાથે તેમણે પોસ્ટમાં લખ્યું કે, વિશેષ કિશોર કાકાનો આભાર વ્યકત કરું છું તેમના સાથે પાર્ટી માં કામ કરવાનો મોકો મળ્યો અને તેમના પાસે થી ખૂબ જ શીખવા મળ્યું છે .રાષ્ટ્રીય નેતૃત્વ નો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. આજે દુઃખ સાથે આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું. મે મારું તમામ હોદ્દાઓ ઉપર થી રાજીનામું પાર્ટીના પ્રમુખ અને પ્રભારીને મોકલી આપ્યું છે..ખૂબ ખુબ આભાર..