ગંભીર@પાવાગઢ: અંધારપટથી થાય છે દર્શનાર્થીઓનું સ્વાગત, ગેટથી મંદિર સુધીનાં ફોર-વે માં અંધારાનો કબજો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાવાગઢ મંદિરનું તાજેતરમાં મોટાપાયે રિનોવેશન બાદ બેદરકારીનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રોજેરોજ હજારોની સંખ્યામાં આવતાં દર્શનાર્થીઓનું ગેટથી જ સ્વાગત કંઈક હેરાન કરે તેવું છે. ફોર વે માર્ગ હોવા છતાં અને સરસ મજાનાં વિજળીના થાંભલા લગાવ્યા છતાં અંધારપટનો કબજો છે. મંદિર ટ્રસ્ટ હોય કે પછી ગ્રામ હોય અથવા ઈલેક્ટ્રોનિક વિજ વિભાગ હોય છતાં દર્શનાર્થીઓને અંધારપટને હવાલે કરી દીધા છે. મસમોટી આવક અને વિવિધ ભંડોળ, ગ્રાન્ટ મેળવવામાં આવે છતાં લાઈટો ચાલું રાખવામાં ઈરાદાપૂર્વકની નિષ્ફળતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આટલું જ નહિ જવાબદારી પોતાની હોવા છતાં ધર્મના ઓથા હેઠળ બીજા વિભાગને લાઇટોની જવાબદારીનું પ્રેસર અપાતુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જગવિખ્યાત મહાકાળી માતા મંદિરે જતાં દર્શનાર્થીઓને વડાપ્રધાનની મુલાકાત બાદ થોડા દિવસ સારૂં લાગ્યું પરંતુ હવે મોટો ઝાટકો મળી રહ્યો છે. હાલોલ બોડેલી હાઇવેની સામે ઉંચાણવાળા ઢાળથી જતો માર્ગ સીધો મહાકાળી મંદિર જાય છે. સરેરાશ 4 વર્ષ અગાઉ કરોડોના ખર્ચે 4.8 કિલોમીટરનો ફોર વે રાજ્ય માર્ગ મકાન વિભાગે બનાવ્યો હતો. ફોર વે ની વચ્ચે ડિવાઇડર અને તેમાં પણ વિજપોલ લગાવી લાઇટોથી રોશની કરવામાં આવી હતી. હિલ તરફ જતાં માર્ગની શરૂઆતમાં સરસ મજાનો ગેટ મૂકી દર્શનાર્થીઓનું સ્વાગત થાય છે પરંતુ આ સ્વાગત રાત્રિ દરમ્યાન અંધારપટથી થાય છે. દરરોજ હજારોની સંખ્યામાં આવતાં દર્શનાર્થીઓ પૈકી અનેક સાંજે તો કેટલાક મોડી સાંજે આવે છે ત્યારે આ 4.8 કિલોમીટરનો માર્ગ અંધારપટથી છવાયેલો અને આસપાસમાં જંગલ ખાતાનો વિસ્તાર હોઈ સુરક્ષા બાબતે અનેક સવાલો ઉભા કરે છે. મંદિર આવતાં લોકોને કોણ અને કેમ અંધારપટમાં રાખી રહ્યું તે જાણતાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

પંચમહાલ જિલ્લા માર્ગ મકાન સ્ટેટના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજથી ચારેક વર્ષ અગાઉ લાઈટોની વ્યવસ્થા સાથેનો ફોર વે બનાવ્યો હતો. જેમાં વિજપોલ લગાવ્યા બાદ લાઇટોની જવાબદારી ટેમ્પલ ટ્રસ્ટને સોંપી હતી, આટલું જ નહિ કાયમી અંધારપટ વચ્ચે નવરાત્રીમાં અન્ય વિભાગને લાઇટો ચાલુ કરવા કહેવામાં આવે છે. અંદરની વાત એવી સામે આવી કે, માતાજીનું છે એવી વાતોથી હકીકતના જવાબદારો લાઈટો પોતે ચાલુ કરવાને બદલે બીજાને જણાવે છે. કેમ દર્શનાર્થીઓને અંધારપટ હેઠળ રાખવામાં આવે છે તે સવાલ પાછળ પણ સંશોધનનો વિષય બન્યો છે. લાખો રૂપિયાના ખર્ચ છતાં લાઈટો કેમ ચાલું રાખવામાં આવતી નથી ? દર્શનાર્થીઓ, રાહદારીઓ, વાહનચાલકોને લાઈટો જેવી પ્રાથમિક વ્યવસ્થા કાપી અંધારપટમાં ધકેલી દેવાનો આ કારસો રચનારા વિરુદ્ધ કેમ ધોરણસરની તપાસ કાર્યવાહી ના થાય ? તે સૌથી મોટો સવાલ છે.