બ્રેકિંગ@ગુજરાત:વાઘોડિયાના અપક્ષ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, BJPમાં જોડાશે: સૂત્રો
અટલ સમાચાર, ડેસ્ક
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટો શરૂ થઈ ગયો છે. પહેલા ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ બાદ હવે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામું આપી દીધું છે. વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પદ પરથી આજે રાજીનામું આપ્યું. એક ચર્ચા એવી પણ છે કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે. આજે તેમણે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં સામેલ થઈને ભાજપની ટિકિટ પરથી ફરથી વાઘોડિયા બેઠક ઉપર પેટાચૂંટણી લડવાનો તખ્તો ગોઠવી દીધો છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓની સાથે-સાથે વિધાનસભાની જે પણ બેઠકો ખાલી પડી છે તેના પર પણ પેટાચૂંટણી યોજાઈ શકે છે.
કોણ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ?
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. તેઓ વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2022માં અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. તેઓ વાઘોડિયા બેઠક પર દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવને હરાવી ચૂક્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા.