રિપોર્ટ @ગુજરાત: દિવાળીની રજાઓને પગલે અમદાવાદથી મોટાભાગની ટ્રેનમાં 400નું વેઇટિંગ
અટલ સમાચાર, ડેસ્ક
દિવાળીની રજાઓને પગલે અમદાવાદથી મોટાભાગની ટ્રેનોનું વેઇટિંગ 300ને પાર થઇ ગયું છે જેમાં કોલકાતા માટે સૌથી વધુ 400, દિલ્હી માટે 341 જેટલું વેઇટિંગ છે. મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની સીઝનમાં તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા અને ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર કેટલીક વધુ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલ્વેએ એક યાદીમાં જણાવ્યુ, ‘આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સાથે 344 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનો લાભ આશરે 25,000 મુસાફરોને ખાસ કરીને તહેવારોની સિઝનમાં થશે. પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 360 ટ્રીપ્સ સાથે વિવિધ સ્થળો માટે 44 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે, જેનો લાભ આશરે 6.25 લાખ મુસાફરોને મળ્યો છે.
આ ઉપરાંત છઠ્ઠ પૂજા માટે અમદાવાદથી બિહાર માટે બે ટ્રેન દોડાવાશે. જેમાં સાબરમતી-દાનાપુર સ્પેશિયલ ટ્રેન 12, 19, 26 નવેમ્બરના રોજ સવારે 8.15ના ઉપડી બીજા દિવસે બપોરે 2.15ના દાનાપુર પહોંચશે. અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન 9,16,23,30 નવેમ્બરના અમદાવાદથી બપોરે 3.30ના ઉપડીને બીજા દિવસે સવારે સમસ્તીપુર પહોંચશે.