ગંભીર@હાલોલ: નગરપાલિકા વિસ્તારમાં ચેતીને ચાલજો, ગટરની કામગીરીથી અનેક પ્રશ્નો ઉભા થયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
હાલોલ નગરપાલિકામાં જો તમે જતાં હોય તો થોડી પૂર્વ તૈયારી કરવી પડે તેવી નોબત ઊભી થઈ છે. આ નોબત હાલોલ પાલિકા અને તેના કોન્ટ્રાક્ટરને કારણે સર્જાઇ હોવાની પરિસ્થિતિ ઉભરી આવી છે. હાલોલ નગરપાલિકા હદ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ખાંડા રાજ અને ધૂળ રજકણના ત્રાસથી સ્થાનિક રહીશો ત્રાસી ગયા છે તો હવે મહેમાનની હાલત કેવી થાય તે સમજી શકાય છે. છેલ્લા 3 વર્ષથી અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરી અને તેને સંબંધિત રોડની કામગીરીમાં ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની બૂમરાણ મચી જવા પામી છે. ગટરના કામમાં અને રોડના કામમાં એકદમ હલ્કી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરી મોટાપાયે ખાયકીની પૂર્વ આયોજિત ગોઠવણ કરી હોવાના સવાલો ઉભા થયા છે.
પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાની વહીવટી કામગીરી નામ બડે ઔર દર્શન ખોટે જેવી અનુભૂતિ કરાવે છે ? આ સવાલ આજે હાલોલ આમ આદમી પાર્ટીએ પ્રાંત અધિકારીને આપેલ ફરિયાદ આધારે સામે આવ્યો છે. જેમાં હાલોલ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજનાના કામની વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે. કોરોના કાળથી 100 કરોડથી પણ વધુ રકમના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલુ છે ત્યારે જે સોસાયટીઓમાં રોડ બનાવેલ છે તે રોડ બેસી ગયા છે તો ક્યાંક તૂટી ગયેલ છે.
જે મટીરીયલ નો ઉપયોગ થઈ રહ્યો તે જોગવાઈ મુજબ ના હોવાના આક્ષેપો થયા છે. ઉપયોગમાં લીધેલ ભુંગળાઓના માપ પણ અલગ અલગ છે અને ભૂંગળાઓની નીચે મટીરીયલની ગાદી પણ ના બનાવી હોવાનું આમ આદમી પાર્ટીના એ ગુરૂરાજ સિંહે જણાવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આવેદનપત્ર આધારે સવાલો ઉભા થાય છે કે, કેમ અનેક જગ્યાએ કાચી ઈંટો વાપરવામાં આવે છે ? કેટલાક ઘર વચ્ચે એક જ ચેમ્બર કેમ બનાવેલ છે ? ટેન્ડરમાં દર્શાવેલથી વિરુદ્ધ મટીરીયલ કેમ વાપરવામાં આવે છે ? જો ભવિષ્યમાં રોડ બેસી જશે અને દુર્ઘટના બનશે તો જવાબદારી કોની ? ખૂબ જ વિલંબથી કામગીરી થતી હોવાથી શહેરમાં ઉડી રહેલી ધૂળથી સ્વાસ્થ્ય સંબંધી તકલીફો જેવી કે શરદી-ખાંસી- શ્વાસ સંબંધી બીમારીનું પ્રમાણ વધ્યું તો કોની જવાબદારી ? આટલું જ નહિ શહેરમાં અનિચ્છનીય માર્ગ અકસ્માતના બનાવો બને અને ગંભીર ઇજાઓ કે મૃત્યુના કિસ્સા ટાળવા કેમ પૂર્વ આયોજિત તૈયારી નથી ? આ સમગ્ર સવાલો ઉભા થતાં હાલોલ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ વિરુદ્ધ પારદર્શક વહીવટનો પણ ગંભીર પ્રશ્ન બન્યો છે.