અપડેટ@ગુજરાત: ગરમી અને વરસાદને લઈ ફરી એકવાર હવામાનની મોટી આગાહી

 
Weather forecast

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાને આગાહી કરી છે કે, રવિવારથી ગરમીનું પ્રમાણ વધવાનું છે, જોકે રાહતની વાત એ છે કે, આગામી 5 દિવસ વરસાદ થવાની સંભાવના નથી. હવામાન વિભાગે હવાના વહેણમાં થનારા ફેરફારની અસર ગુજરાત પર પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગરમીનું પ્રમાણ કેમ વધશે તે પણ જણાવ્યું છે.

રાજ્યમાં એકાએક ગરમીનુ પ્રમાણ વધ્યા બાદ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. આ વખતે ગરમીનું જોર સામાન્ય ઘટ્યું છે. હવામાન વિભાગે વિવિધ સ્થળો પર નોંધેલા તાપમાનમાં અમરેલી સિવાય તમામ જગ્યા પર શુક્રવારે મહત્તમ તાપમાન 40ની અંદર નોંધાયું છે. ડૉ. મનોરમા મોહંતી જણાવે છે કે, આજે પણ તાપમાન હાલ જે પ્રમાણ નોંધાય છે તે પ્રમાણે જ રહેશે. એટલે કે મોટા ફેરફારની શક્યતાઓ નથી. જોકે, આ પછી રવિવારથી રાજ્યના તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રવિવારથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે તેની પાછળનું કારણ જણાવતા ડૉ. મોહંતીએ કહ્યું છે કે, હવાની દિશા બદલાવાની સંભાવના છે. આ સાથે હવામાં જે ભેજનું પ્રમાણ છે તે ઘટી જશે. આ સાથે રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જેના લીધે તાપમાનમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં વધારે ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરતા ડૉ. મોહંતીએ જણાવ્યું કે, સૌથી વધારે ગરમી સૌરાષ્ટ્રના અંતરિયાળ ભાગો તથા અમદાવાદ, ગાંધીનગરમાં વધુ ગરમી પડે છે. જોકે, હાલ તો મોટાભાગના સ્ટેશન પર તાપમાન સામાન્ય કે સામાન્યથી ઓછું નોંધાઈ રહ્યું છે.