બ્રેકિંગ@ગુજરાત: આગામી 5 દિવસ સુધી તાપમાનને લઈ હવામાનની મોટી આગાહી

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગામી 5 દિવસ સુધી તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહિ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટ રહેવાની આગાહી કરવામાં આવી છે. લોક કન્વેક્ટિવિટીના કારણે અમુક ભાગમાં વરસાદ થવાની બહુ ઓછી સંભાવનાઓ હોવાનું જણાવવામાં આવ્યું છે. જમીન ગરમ થઈ રહી છે અને પશ્ચિમના પવનો ભેજ લઈને આવી રહ્યા છે એટલે કે આગામી દિવસોમાં પણ ઉકળાટ રહેશે.
અમદાવાદના હવામાન કેન્દ્રના વડા મનોરમા મોહંતીએ રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. પરંતુ લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીના કારણે કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે. જેની આગાહી નાઉકાસ્ટમાં કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે.
ડૉ. મોહંતી જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઈ ફેરફારની સંભાવના નથી. જોકે રાજ્યમાં એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. હાલ રાજ્યમાં પશ્ચિમ પવનો આવી રહ્યા છે. જમીન ગરમ થવાથી અને અરબી સમુદ્ર પરથી આવતા પવનો ભેજ લઈને આવે છે જેના કારણે વાદળો બની રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ વાદળો વરસાદ લાવે તેટલા મજબૂત નથી, રાજ્યમાં વરસાદ થવાની સંભાવના બહુ જ ઓછી છે. જોકે, ક્યાંક લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટી થઈ શકે છે અને તેના કારણે હળવો વરસાદ થઈ શકે છે.
ડૉ. મોહંતીએ જણાવ્યું કે કેરળમાં ચોમાસું 4 દિવસ મોડું આવવાની સંભાવના છે તો બની શકે કે ગુજરાતમાં ચોમાસું પહોંચતા મોડું થઈ શકે છે. પરંતુ જો સ્ટ્રોંગ સિસ્ટમ બને તો ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચી શકે છે. એટલે કે કેરળમાં ચોમાસું મોડું પહોંચશે તેનો એવો મતલબ નથી થતો કે ગુજરાતમાં પણ ચોમાસું મોડું પહોંચશે.