નિવેદન@ગુજરાત: હવામાન વૈજ્ઞાનિક વિજીનલાલની મોટી આગાહી, હજી આટલા દિવસ પડશે વરસાદ

 
Weather Vijinilal

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે તથા શનિવારે સવારે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદી માહોલ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે સૌથી વધુ કફોડી હાલત ખેડૂતોની થઈ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે આગામી પાંચ દિવસ પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે વરસાદની આગાહી કરવાની સાથે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે, આવતીકાલથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડશે, પરંતુ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે તેવી સંભાવનાઓ છે.

આ સાથે રવિવારથી હાલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડશે, પરંતુ 2 મેથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિજીનલાલ જણાવે છે કે, ચોથા દિવસથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પડશે, આ દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ થઈ શકે છે.

આ સાથે વિજીનલાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં આજે, રવિવારે તથા આગામી અઠવાડિયે મંગળવારે તથા બુધવારે ગાજવીજ સાથે આખા ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. એટલે કે ખેડૂતો માટે માઠા સમાચાર છે. આ સિવાય લોકોને પણ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.