કોઠાસૂઝ@વિસનગર: તરભ વાળીનાથ ધામ ખાતે ચા પીરસવા માલધારી સમાજે શું કર્યું ? જાણો અહીં

 
Tarabh

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં દરરોજ માનવ મહરામણ ઉમટી રહ્યું છે. તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. વિસનગરના તરભ વાળીનાથ ધામમાં 16 થી 22 ફેબ્રુઆરીમાં યોજાયેલા નૂતન મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રોજ હજારોની સંખ્યામાં પધારી રહેલા શ્રદ્ધાળુઓ માટે ચાની ખાસ વ્યવસ્થા કરાઇ છે. પાણીની 2000 લિટરની ટાંકી સાથે પાઇપલાઇન જોડી તેને નળ લગાવ્યાં છે. વાળીનાથ ધામમાં ચકલીમાંથી “પાણી” નહીં “ચા” આવે છે.

ટાંકીમાં ચા ભરતાં જેટલી જોઇએ તેટલી નળ ખોલીને ચા લઇ શકાય છે. અહીં એક કાઉન્ટર ઉપર 40 નળ છે. આવાં ત્રણ કાઉન્ટર બનાવ્યાં છે. રોજ 15 હજાર લિટર દૂધની ચા બની રહી છે. આ વ્યવસ્થાથી એક અંદાજ મુજબ એક કલાકમાં 3000 થી 3500 લોકો ચાની મજા લઇ શકે છે. આવી જ વ્યવસ્થા બપોરે ભોજનમાં છાસ માટે પણ કરાઇ છે. એક કેનમાં 140 લિટર દૂધ એવા 120 કેન એક કાઉન્ટર ઉપર ચા બને છે, આવા ત્રણ કાઉન્ટર છે. 15 હજાર લિટર દૂ, 1440 કિલો ખાંડ અને 350 કિલો ચાનો ઉપયોગ રોજ થાય છે.