હવામાન@ગુજરાત: કાળઝાળ ગરમી વચ્ચે ક્યાં પહોંચ્યું ચોમાસું? જાણો એક જ ક્લિકે

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ચોમાસાનો વરસાદ ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરુઆત 15 જૂનથી થાય છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાના વરસાદનું આગમન 15 જૂન બાદ થાય છે. જોકે, હવે ચોમાસાના આગમનને લઈ પરિબળો સાનુકૂળ બની રહ્યા છે અને ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગે પણ કેરળમાં ચોમાસું 4 જૂન કે આગળ પાછળ 4 દિવસ ચોમાસું બેસવાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. દેશમાં ચોમાસાનો વરસાદ સૌથી પહેલા કરેળમાં થાય છે. ત્યાર બાદ ચોમાસું આગળ વધે છે. જોકે, ચાલુ વર્ષે મોચા વાવાઝોડાના કારણે ચોમાસું મોડું બેસવાનું અનુમાન છે. પરંતુ ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકૂળ છે.

ચોમાસું કેરળમાં મોડું બેસે તો ગુજરાતમાં પણ ચોમાસું મોડું બેસે તેવું કહી ના શકાય. કારણ કે વરસાદ માટે કોઈ સિસ્ટમ હોવી જરુરી છે અને ચોમાસું બેસી ગયા બાદ સિસ્ટમ મજબુત હોય અને આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ હોય તો ચોમાસું સમયસર બેસી જાય છે. ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે, ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડી, અંદમાન સમુદ્ર અને અંદમાન અને નિકોબારના ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવાની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસાનો વરસાદ આવે તે પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે. પશ્ચિમ દિશા તરફથી પવન આવતો હોવાથી ભેજનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે થંડર સ્ટોમ એક્ટિવિટી થવાની પણ શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.