રિપોર્ટ@મોરવા: વંદેલીના ભ્રષ્ટાચારની તપાસ ક્યાં? કૌભાંડના મોટા માથાઓને કોઈ બચાવી રહ્યું? સ્પેશિયલ રિપોર્ટ

 
Vandeli

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મોરવાહડફ તાલુકા‌ના વંદેલી ગામમાં ભય વગરના ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ થયેલી તપાસમાં પરિણામ અજાણ રહ્યું છે. તપાસ દરમ્યાન ધારાસભ્યે પણ ખાતરી કરી અને તટસ્થ તપાસની વાત કરી પરંતુ હવે તપાસ ક્યાં છે તે ખબર પડતી નથી. લાખો કરોડોના ભ્રષ્ટાચાર મામલે તપાસ અધિકારી ડેપ્યુટી ડીડીઓ મકવાણાનો વારંવાર સંપર્ક કરવા છતાં વિગતો મળી શકી નથી અને ટીડીઓ કહે છે કે, કોઈ પત્ર હજુ સુધી મળ્યો નથી. આવી સ્થિતિમાં વંદેલી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારમાં શું થયું એ બાબત જાણવા ઈચ્છુકો માટે જાણે અંધકારમાં ધકેલાઈ ગઈ છે. વાત આટલી નથી, કેમ ભ્રષ્ટાચારની તપાસ કાર્યવાહીના પગથિયે ચડી નથી કે ચડતી નથી તેનો અહેવાલ જાણીએ...

Vandeli

પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના વંદેલી ગ્રામ પંચાયતમાં મોટાપાયે વર્ષોથી ભ્રષ્ટાચાર થતો હોવાની લેખિત ફરિયાદ બાદ દોડધામ મચી હતી. લેખિત ફરિયાદને પગલે જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ મકવાણાએ તેમની ટીમ મારફતે તપાસ શરૂ કરાવી હતી. આ દરમ્યાન ધારાસભ્ય સુથારે પણ પારદર્શક, કડક, નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરી કાર્યવાહી કરવા તંત્રને જણાવ્યું હતુ. જોકે જેટલી ઝડપે તપાસ થઈ તે ઝડપ કાર્યવાહી સુધી પહોંચતાં એકદમ ઘટી ગઈ છે. તપાસ પૂર્ણ થઈ કે કેમ ?, તપાસ રિપોર્ટમાં શું આવ્યું ?, તપાસ બાદ કાર્યવાહીનો હુકમ થયો કે કેમ ? આ તમામ સવાલો છે પણ જવાબ મળવો અઘરો થઈ ગયો છે. આ બાબતે તપાસ અધિકારી મકવાણા તરફથી કોઈ માહિતી મળી નથી જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇ લડતાં ધારાસભ્ય પણ કાર્યવાહી બાબતે અજાણ છે કે જાણકારી ધરાવે તે પણ સામે આવતું નથી. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારીઓએ શું કોઈ જાદુ ચલાવ્યો હશે તેવી બૂમાબૂમ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી રહી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, વંદેલી ગ્રામ પંચાયતમાં વર્ષોથી શાસન ચલાવી લાખો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોઇ ભ્રષ્ટાચારીઓ આર્થિક, સામાજીક અને રાજકીય રીતે મજબૂત બની ગયેલા છે. આથી તપાસની પહેલાંથી ભ્રષ્ટાચારીઓ બચાવની બારી શોધી રહ્યા હોઈ શકે અને તપાસ જો કાર્યવાહી સુધી પહોંચે તો પણ બચાવ માટે દોડાદોડ કરી હોઈ શકે છે. જાણકારોના મતે, જો પારદર્શક તપાસ થઈ હશે તો કાર્યવાહી કરવી પડે તેવો જ રિપોર્ટ આવે, કેમ કે વંદેલી ગ્રામ પંચાયતના સત્તાધીશોએ કોઈ યોજનામાં કે કોઈ એક કામમાં ભ્રષ્ટાચાર નથી કર્યો, મોટાભાગના કામો અને યોજનામાં ભય વગરનો ભોરિંગ ભ્રષ્ટાચાર કર્યો હોવાથી ફરિયાદ દાખલ થાય તેવી સંભાવના છે. આથી તપાસ રિપોર્ટ ઉપર સૌ કોઈની નજર છે કે, તપાસમાં શું મળી આવ્યું અને કાર્યવાહી થશે કે કેમ‌? થશે તો કેવી કાર્યવાહી થશે તે બાબતોની વંદેલી આસપાસના ગામોમાં પણ ઉત્સુક્તા ઉભી થઇ છે.