દુર્ઘટના@મહુવા: જન્માષ્ટમીની મજા માણવા જતા હોડી પલટી ગઈ, 5 યુવકો ડુબ્યા, 1 નું મોત

 
Mahuva

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગર જિલ્લાના મહુવાના માલણ બંધારામાં પાંચ યુવકો ડુબી ગયા હતા. બંધારામાં હોડી લઇને જન્માષ્ટમીની મજા માણવા જતા હોડી પલટી ગઇ હતી જેને કારણે આ યુવકો ડુબી ગયા હતા. જે બાદ યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં એક યુવકનું ડુબી જતા મોત થયુ હતું.

મહુવાના માલણ બંધારામાં જન્માષ્ટમી દરમિયાન માલણ બંધારામાં પાંચ યુવકો હોડીમાં બેસીને મજા માણવા નીકળ્યા હતા. રસ્તામાં જ હોડી પલટી જતા પાંચ યુવકો ડુબી ગયા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા આ યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મહુવા નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફ પણ મદદ માટે પહોંચી ગયો હતો. શોધખોળ દરમિયાન ચાર યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે એક યુવકનું મોત થયું હતું.

શોધખોળ દરમિયાન ગઢડા ગામના જોડીયા પ્રવીણભાઇ ગોવિંદભાઇ (ઉંમર 22)નો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ ગામના લોકોના ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.