ઘટસ્ફોટ@બારીયા: કૂવા કાંડમાં કોણે હાથ કાળાં કર્યા, નામ જાહેર, 12 પરિવારો સાથે છેતરપિંડી કરી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દેવગઢબારિયા તાલુકામાં કૂવા કાંડની તપાસના આદેશ નથી છૂટ્યા પરંતુ ટીડીઓ દોડધામ કરી ગામમાં વાવડ આપી રહ્યા છે. જેની અસર સરપંચ ઉપર થતાં કૂવા કાંડમાં ભલે ગમે તેને હાથ કાળાં કર્યા હોય પરંતુ આગ ઓલવવા મથામણ વધી ગઈ છે. લાભાર્થીઓને અને પિડીત જોબકાર્ડધારકોને ઘેર અથવા ધંધાના સ્થળે આવનજાવન અચાનક વધી ગઈ છે. હવે સવાલ એ ઉભો થાય કે, કોણ કૂવા કાંડની આગ શાંત પાડવા મથી રહ્યું અને તેનાથી પણ મોટો સવાલ કે, કૂવા કાંડમાં કોણે મલાઇ ખાઇને પોતાના હાથ કાળાં કર્યા છે ? આજે કૂવા કાંડના સૂત્રધારો અને 12 પરિવારો સાથે ગ્રામ વિકાસ એજન્સીને પણ છેતરનારા નામજોગ જાહેર થશે. દેવગઢબારિયાના લોકો તમે સાવચેત રહેજો, કેમ કે, આ કૂવા કાંડ વાળા તમારા નામે પણ લાખો કરોડોની ગ્રાન્ટ મંજૂર કરાવી કૌભાંડ આચરી શકે છે. આવો જાણીએ મનરેગા કૌભાંડના આરોપીઓનો સ્પેશિયલ રિપોર્ટ..
દાહોદ જિલ્લામાં મનરેગાના કૌભાંડનો રાફડો એટલો ફાટ્યો છે કે, 10થી 15 હજારમાં કરારી ફરજ બજાવતાં કરોડપતિ બનતાં જાય છે. તેમાં સૌથી ચર્ચાસ્પદ દેવગઢબારીયા તાલુકામાં મનરેગા હેઠળના કૂવા કાંડની તપાસ ટીડીઓ કરાવી શકે તેમ ના હોવાનું જાણવા મળ્યું છે. ટીડીઓને કોઈ બાબત આડે આવતી હોય અથવા અન્ય કોઈ કારણ હોય પરંતુ તપાસ કરાવવાને બદલે કૌભાંડની આગ ઓલવવા વધારે દોડે છે. હવે જાણીએ શું છે કૂવા કાંડની એક એક વિગતોનો ચિતાર જાણીએ. દેવગઢબારિયાના વાંદર ગામમાં એકસાથે 12 પરિવારોના નામે બારીયા તાલુકાના મનરેગા ટીમે કાગળ ઉપર ગૃપ કૂવા બનાવી 50ટકાથી વધુ રકમ ઉપાડી લીધી હતી. આ પછી રજૂઆત છતાં તપાસ ના થઈ ત્યારે મામલો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. હવે આ કૂવા કાંડમાં બોગસ લાભાર્થીઓના નામે લેબર રકમ ઉપડી ગઇ, મટીરીયલ વપરાયુ નથી છતાં મટીરીયલની રકમ ઉપડી ગઇ ત્યારે સરેરાશ 32 લાખની કૌભાંડ કરી ચૂક્યા છે કૌભાંડીઓ. હવે આ કૌભાંડીઓ કોણ તે પણ જાણીએ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગૃપ કૂવા બને ત્યારે મેટ, ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ, એપીઓ, મટીરીયલ એજન્સી અને ટીડીઓની જવાબદારી બને છે. જીઆરએસ સહિતના ગ્રાઉન્ડ ઉપરના કર્મચારીઓ લેબર સહિતની બાબતો જુએ, ટેકનિકલ કામ બાબતની જવાબદારી જુએ અને એપીઓ વહીવટી સહિતની બાબતો જુએ જ્યારે ટીડીઓ આખી ટીમના વડા હોઈ સંપૂર્ણ દેખરેખની જવાબદારી આવે છે. આ કૂવા કાંડ થયું ત્યારે જેણે પણ ગેરકાયદેસર રીતે સરકારની ગ્રાન્ટ લેવા/ ઉપાડવા ખોટા કાગળો બનાવ્યા, ગેરકાયદેસર સહી કરી તેવા ઉપરોક્ત તમામ હોદ્દા ઉપરના તત્કાલીન કર્મચારીઓ અને અધિકારી જવાબદાર બને છે. હવે આમાં સરપંચ સીધી રીતે ક્યાંય દેખાતાં નથી છતાં વાત એવી સામે આવી છે કે, કૂવા કાંડની આગ ઓલવવા કોઈએ સરપંચને આગળ કર્યા છે.