રિપોર્ટ@પાટણ: ધારાસભ્ય કિરીટ પટેલની જીતને કોણે આપી ચેલેન્જ, હાઇકોર્ટની નોટિસ બાદ શું કહ્યું પટેલે ?

 
Kirit Patel

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ વિધાનસભાની રોચક રસાકસીભરી ચૂંટણીમાં કોંગ્રેસના કિરીટ પટેલ ભવ્ય જીત મેળવી ગામડાંઓ ખૂંદી રહ્યા છે. બરાબર આ સમયે અચાનક હાઇકોર્ટની એક નોટિસથી આખા ગામમાં ધારાસભ્ય પદ બાબતે સંભાવના વિરુદ્ધ ખોટાં દાવાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. પાટણના એક વકીલે કેટલાક મહિના અગાઉ હાઇકોર્ટમાં અરજી કરી કિરીટ પટેલની જીતને ચેલેન્જ આપી છે. જેમાં એવું કહ્યું છે કે, કીરીટ પટેલે ચૂંટણીમાં ફોર્મ ભર્યું એ સમયે એક ફરિયાદની વિગતો છુપાવી હતી. જે મામલે હાલ હાઈકોર્ટે અરજી સ્વીકારી ધારાસભ્ય કિરીટ પટેલને નોટીસ આપી છે. જાણીએ સમગ્ર અહેવાલ....

પાટણ વિધાનસભાની ચૂંટણીમાં બીજીવાર જીત મેળવી ધારાસભ્ય બનેલા કોંગ્રેસના કિરીટ પટેલ અત્યારે ગામડાંઓના પ્રવાસે છે. ત્યારે કેટલાક મહિના અગાઉ થયેલી એક અરજી આધારે કિરીટ પટેલને હાઇકોર્ટની નોટિસ મળતાં મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે.‌ ગત વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું અને તેમાં પોતાના વિરુદ્ધ થયેલી ફરિયાદોની વિગતો પણ ટાંકી હતી. આ દરમ્યાન પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ અને એફિડેવિટમાં પોલીસ ફરિયાદનો હકીકત છુપાવી હોવાનો ચોકાવનારો આક્ષેપ થયો છે. પાટણના જ વકીલ પંકજ વેલાણીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે કે, પાટણ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર કીરીટ પટેલે પોતાના વિરુદ્ધની એક પોલીસ ફરિયાદ છુપાવી ચૂંટણી જીતી છે. આથી લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ ધારાસભ્ય પદ રદ્દ કરીને બીજા નંબરના ઉમેદવારને વિજેતા જાહેર કરો. આથી ગુજરાત હાઇકોર્ટે પ્રથમ દ્રષ્ટિએ તો અરજી ગ્રાહ્ય રાખી સમગ્ર મામલે કિરીટ પટેલને નોટિસ આપી છે.

Kirit Patel
પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ

ગુજરાત હાઇકોર્ટે અરજી સ્વીકારી આગામી જૂન મહિનામાં કીરીટ પટેલને જવાબ કરવા હુકમ કર્યો છે. આ તરફ એડવોકેટ પંકજ વેલાણીએ જણાવ્યું હતું કે, ફરિયાદની કોઈપણ વિગતો છુપાવી શકાય નહિ પરંતુ કિરીટ પટેલે ઉચાપત બાબતની એક પોલીસ ફરિયાદ છુપાવી ચૂંટણી જીતી હોઇ લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જ્યારે આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, કોઈ જ માહિતી છુપાવી નથી અને તેઓ મારા વિરુદ્ધ અરજી કરવા ટેવાયેલા છે. લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ આ બાબતે કાર્યવાહીનો સવાલ જ નથી. નવી ગાઇડલાઇન મુજબ માત્ર પ્રોપર્ટી બાબતની વિગતો છુપાવી શકાય નહિ.