રિપોર્ટ@ડાંગ: આંબા અને કાજુની ગ્રાન્ટમાં કોણ કરી ગયું કમાલ, 3 કચેરીમાં ક્યાંક છુપાયો છે ભ્રષ્ટાચાર

 
Mangos Dang

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ડાંગ જિલ્લામાં રાજ્ય સરકારે ભરપૂર ગ્રાન્ટો ફાળવી પ્રચંડ વિકાસ કરવા કમર કસી છે પરંતુ વિકાસની ગ્રાન્ટમાં શું મલાઇ ખવાય છે ? આ પ્રશ્ન એટલા માટે ઉભો થયો કે, તાજેતરમાં ખેડૂતોને આંબા અને કાજુની ખેતીમાં આત્મનિર્ભર કરવા કલમ કરેલા રોપા મળ્યા છે. જોકે આ રોપાની કાગળ ઉપરની સંખ્યા અને ખેડૂતોને હાથમાં આવેલ રોપાની સંખ્યામાં ગરબડ ગોટાળો હોવાની બૂમરાણ છે. આ રોપા બાબતે અંદાજીત ત્રણ કચેરીઓની ભૂમિકા રહેતી હોય છે. હવે જો ત્રણેય કચેરીએ ફાળવેલ રોપાની સંખ્યા, લાભાર્થીઓના નામ ચેક થાય અને સામે લાભાર્થીઓને રૂબરૂ મળીને પૂછો તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. આ મુદ્દે એવી બૂમરાણ છે કે, અંદાજે 5 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે.

ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચારનું રાજકારણ છે કે વહીવટ સામે રાજકારણ છે એ સમજવું ભારે થઈ પડ્યું છે. જેમાં શરૂઆતમાં સિઝનલ હોસ્ટેલ, વિદ્યાર્થીઓની સંખ્યાનો મામલો ગરમાયા બાદ ખેડૂતોનો મુદ્દો ઉભરી આવ્યો છે. તાજેતરમાં ડાંગ જિલ્લામાં આંબા અને કાજુની ખેતી માટેના કલમ કરેલા રોપા વિતરણ થયા છે. આ રોપા બાબતે ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખાની ભૂમિકા તો છે જ પરંતુ બીજી 2 કચેરીઓ પણ આવે છે. જેમાં એક ટ્રાયેબલ સબ પ્લાન, વહીવટદાર અને બીજી વનવિભાગ છે. હવે સમજીએ કે, આંબા અને કાજુની ખેતી માટેના આ રોપામાં ભ્રષ્ટાચારની બૂમરાણ કેમ છે. જે ખેડૂતોને રોપા મળ્યા તેમનાં નામે કાગળ ઉપર મોટી સંખ્યામાં રોપા ફાળવાઇ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હકીકતમાં ખેડૂતોને તેટલા રોપા નથી મળ્યા, આટલુ જ નહિ, વનવિભાગ, ટીએસપી અને મનરેગાએ કયા ખેડૂતને કેટલા રોપા આપ્યા તેની તપાસ જરૂરી હોવાનું પણ જણાવાઇ રહ્યું છે.

Dang

સૂત્રોએ જણાવ્યું હતું કે, જો જિલ્લા વનવિભાગ, ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા અને ટ્રાયેબલ સબ પ્લાન સહિત ત્રણેય કચેરીમાં રેકર્ડ આધારિત વિગતો અને હકીકતમાં ખેડૂતોને હાથમાં મળેલ રોપાની વિગતોનું ક્રોસ ચેકીંગ થાય તો મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે. આ મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો હોય તેમ ત્રણેય કચેરીમાંથી વિગતો મેળવી ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો સામે જે ખેડૂતોને નજીવી સંખ્યામાં રોપા મળ્યા અને જેમના નામે વધુ રોપા બતાવ્યા તેવા ખેડુતોને પણ વિશ્વાસમાં લઈ પૂછવાની દોડધામ શરૂ થઈ છે. આવી સ્થિતિમાં ડાંગ જિલ્લામાં જાણે વહીવટની પરિક્ષાનો દૌર ચિત્તા ઝડપે આગળ વધી રહ્યો હોવાનું મનાય છે.