અસર@પાંથાવાડા: માર્કેટયાર્ડના વહીવટનો ચિઠ્ઠો બનાવી સહકાર સચિવમાં જવા કોણે કરી તૈયારી❓

 
Panthavada apmc

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાંથાવાડા ગંજબજારમાં અ-પારદર્શક વહીવટના અહેવાલો બાદ સમગ્ર પંથકમાં ચકચાર અને ચોંકાવનારી સ્થિતિ બની છે. ખેડૂતોના પરસેવાથી અને વેપારીઓની કોઠાસૂઝથી બનેલા માર્કેટયાર્ડના વહીવટથી ચોંકીને સહકાર વિભાગમાં જવાની દોડધામ થઇ રહી છે. માર્કેટયાર્ડના વહીવટનો આખો ચિઠ્ઠો બનાવી સિલસિલેવાર મુદ્દાઓ સાથે ગાંધીનગર જવા જાગૃત નાગરિકના નેતૃત્વમાં તૈયારી થઈ રહી છે. ભરતી, સેસ, ટેન્ડર, જોહુકમી જેવા અનેક મુદ્દે તાત્કાલિક અસરથી તપાસ કરાવવાની મથામણ જોતાં મામલો મંત્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આટલુ જ નહિ, માર્કેટયાર્ડમાં કોણ કેવી રીતે સહકારી માળખાને તોડી એકચક્રી શાસન બનાવી રહ્યું તેનો પણ ઘટસ્ફોટ કરે તેવી વિગતો સાથે રજૂઆત કરવાની કોણે તૈયારી કરી એ સમગ્ર અહેવાલ સમજીએ....

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના શાસકો શું પારદર્શક વહીવટ આપી રહ્યા છે ? આ સવાલનો જવાબ અટલ સમાચાર ડોટ કોમના અગાઉના અહેવાલોમાં જોઈ પંથકમાં શંકાસ્પદ વહીવટ વિરુદ્ધ જાગૃતિ ઉભી થતી હોવાનું સામે આવ્યુ છે. સહકારી કાયદા અને સહકારી માળખામાં રહેલી જોગવાઈ મુજબ મતદારોને મળેલી સત્તાઓ હવે જાગી રહી છે. પાંથાવાડા ગંજબજારમાં ભૂતકાળમાં થયેલી ભરતી, ટેન્ડરની જોગવાઈમાં મનમાની, સેસમાં મનસ્વી વર્તન, પ્લોટ ફાળવણીમાં ભયંકર ભ્રષ્ટાચાર અને ઈરાદાપૂર્વક ખાનગી માર્કેટયાર્ડને બાહુબલી કરવાનો કારસો હવે ખુલો પડતો જાય છે. સહકારી ગંજબજારમાં રહેવાથી થતાં લાભો સામે ખાનગી માર્કેટયાર્ડમાં જોહુકમી થશે તેવી શક્યતા આખરે પાંથાવાડા વિસ્તારના જાગૃત નાગરિકો પારખી ગયા છે.‌ આથી સહકારી માળખાને મજબૂત કરવા ઈચ્છતાં લોકોએ આખરે ગાંધીનગર સુધી લડતની મથામણ શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંથાવાડા માર્કેટયાર્ડના સેક્રેટરીની લાયકાત અને શાસકોના પ્લોટ ફાળવણીના મુદ્દે સહકાર સચિવને મુદ્દાસર રજૂઆત કરવાની નેતૃત્વ આધારિત તૈયારી થઇ છે.‌ બનાસકાંઠા જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ઈરાદાપૂર્વક પાંથાવાડા ગંજબજારનો વહીવટ તપાસતી નહિ હોવાનું જાણી મામલો ગાંધીનગર લઈ જવા નક્કી થયું છે. જેમાં આખો ચિઠ્ઠો બનાવી સૌપ્રથમ રાજ્ય રજીસ્ટ્રાર પછી સહકાર સચિવ અને આખરે ભાજપ સરકારના એક્ટિવ અને કર્મઠ સહકાર મંત્રીને ફરિયાદ કરી તાત્કાલિક અસરથી પાંથાવાડા ગંજબજારમાં તપાસના ઓર્ડર કરાવવા સુધીની દોડધામ કરવાની તૈયારી રાખી છે. જાણકારોના મતે, જો પાંથાવાડા ગંજબજારના શરૂઆતથી લઈ અત્યાર સુધીના તમામ વહીવટીની નિષ્પક્ષ તપાસ થાય તો એક નહિ અનેક સહકારી જોગવાઈઓનો સરેઆમ ભંગ માલૂમ પડે તેમ છે.