રિપોર્ટ@પાટણ: એક્ટિવ ડીડીઓને કોણ કરી રહ્યું છે ડાયવર્ટ, ગૃપીઝમ કરીને પાછા પાડવા ધમપછાડા કેમ

 
Patan

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

આજે પાટણ જિલ્લાનો એક એવો સ્પેશિયલ રિપોર્ટ રજૂ કરી રહ્યા છીએ. જેમાં એક્ટિવ ડીડીઓને વિકાસની ફરજમાં ડાયવર્ટ કરવાનો કારસો ચાલી રહ્યાનું સામે આવ્યું છે. સ્વચ્છતા, વિકાસના કામો, નાણાંકીય મજબૂતાઈ સહિતના મુદ્દે ખૂબ મહેનત કરતાં ડીડીઓએ ધડાધડ પગલાં લેતાં કેટલાક ફફડાટમાં આવી ગયા છે. આ અરસામાં કેટલીક ગેરરીતિ બાબતે ધોરણસરના પગલાં લીધા તો ગૃપિઝમ કરીને દબાણ લાવવાનો પ્લાન બનાવ્યો છે. ડીડીઓ સતત વિકાસના કામો માટે પ્રયત્નશીલ છે તો સામે એક આખું ગૃપ એક્શનથી બચવા કે બચાવવા કામે લાગી ગયું છે. આવી સ્થિતિમાં પાટણ ડીડીઓને ડાયવર્ટ કરવા એક આખી લોબી તૈયાર કરવાની રણનીતિ બનાવી છે. તો સામે પક્ષે બાહોશ અને નિડર ડીડીઓ પણ કોઈપણ સંજોગોમાં પીછેહઠ કરવાને બદલે સરકારી ફરજ પ્રામાણિકતાથી કરવા મહેનતમાં લાગી ગયા છે. જાણો 2 તાકાત વચ્ચેનો આ રસપ્રદ અને ચોંકાવનારો અહેવાલ....

Patan DDO

પાટણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જ્યારથી ડી.એમ સોલંકી આવ્યા ત્યારથી વિકાસના કામો ઉપર જોર લગાવવામાં આવ્યું છે. આ વિકાસના કામોમાં કોઈના કાંડ ખુલી જાય કે પછી કોઈની ઉપર મસમોટી કાર્યવાહી થઈ જાય તેવા ડરમાં ધીમે ધીમે શરૂ થયેલી ગતિવિધિ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.‌ ડીડીઓ ડી.એમ સોલંકીએ સૌપ્રથમ તો વિકાસના કામોની જાત સમીક્ષા કરી, કચાશ હોય ત્યાં સુધારા લાવવા તક આપી, વેરા વસૂલાતમાં ટકોર કરી માર્ગદર્શન આપ્યું અને પંચાયતને પૂરપાટ ઝડપે પાટે લાવવા મથામણ કરી હતી. હવે આ પૂરપાટ ઝડપે શરૂ થયેલી વિકાસની ગતિમાં અચાનક સ્થળ નિરીક્ષણ અને ફરિયાદો વધવા લાગી હતી. આથી ડીડીઓ દ્રારા તપાસને પગલે તલાટી સહિતના કેટલાક ઉપર પગલાં લેવામાં આવ્યા છે. જેમાં તાજેતરમાં ધિણોજ તલાટી ઉપર સસ્પેન્ડ કરવાનો હુકમ થતાં તપાસની પાઇપલાઇન વાળા કિસ્સાને સંબંધિત છે તેઓ ગૃપિઝમ કરવા દોડવા લાગ્યા છે. એક તરફ ડીડીઓની પારદર્શક અને જોગવાઈ મુજબની કાર્યપધ્ધતિ તો બીજી તરફ એક્શનથી ફફડાટમાં આવેલાની રણનીતિ વચ્ચે બરોબરની ટક્કર કેવી જામી તે પણ જાણીએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા વિકાસ અધિકારીના કડક અને વિકાસલક્ષી પગલાંથી કેટલાક આળસું અને લાગવકિયા ગૃપો બનાવી આંતરિક સળવળાટમાં લાગ્યા છે. આ ગતિવિધિમાં સૌપ્રથમ યેનકેન પ્રકારે ફરિયાદો ઉભી કરી એક્શનને વિલંબમાં મૂકવાનો કારસો રચાયો હતો. આ કારસો લાંબો નહિ ચાલતાં હવે ગૃપ કરીને ફલાણું કરશું ને ઢિકણું કરશું કહીને જિલ્લા પંચાયત સમક્ષ ચિમકીઓ આપવામાં આવી રહી છે. આ તરફ વિકાસના કામોમાં એક્ટિવ ડીડીઓએ પણ પીછેહઠ કરવાને બદલે એક્શનના નિર્ણયો યથાવત રાખી ગૃપીઝમ સામે લડવાની તૈયારી કરી લીધી હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકીય હથિયાર પણ અજમાવી રહ્યા છે ગૃપીઝમ વાળા

પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકી માત્ર એક્શન લે એવું નથી, સાચા પ્રશ્નો સાંભળી કર્મચારીને અનુકૂળ નિર્ણયો પણ આપી રહ્યા છે. જોકે પાછલાં કેટલાંક દિવસોમાં જેની ઉપર એક્શન લેવાયા અને આગામી દિવસોમાં કેટલાક ઉપર ગાજ ગિરવાની છે ત્યારે લાગતાં વળગતા ગૃપ બનાવી રાજકીય હથિયાર પણ અજમાવી રહ્યા છે. જેમાં બદલીઓ, ધોરણસરના પગલાં, વેરા વસૂલાત, કાર્યવાહીની ફાઇલ સહિતની બાબતોમાં અસર પાડવા મથામણ થાય છે. 

શું કહ્યું ડીડીઓ ડી.એમ સોલંકીએ ?

તમારા પગલાં કે વિકાસના કામો સામે વિરોધી તાકાત કેમ ? આ સવાલ સામે ડીડીઓએ જણાવ્યું હતું કે, મારે સરકારનું કામ સમયસર અને અસરકારક જોઈએ છે. જો મારે મારૂં પરફોર્મન્સ સુધારવું હોય તો ગ્રાઉન્ડ ઉપર ધ્યાન આપવું પડશે. હવે જો ગ્રાઉન્ડ ઉપર ફોક્સ કરૂ તો મળી આવે તે મુજબ પગલાં પણ ભરવાના હોય છે. આવી સ્થિતિમાં જો ડીડીઓને ડાયવર્ટ કરવામાં આવે તો વિકાસના કામ કેવી રીતે કરવા.

Jaherat
જાહેરાત

ધિણોજના તલાટી સામે કાર્યવાહી પરંતુ આ પણ જાણો

ધિણોજ ગ્રામ પંચાયત હેઠળ એક વિસ્તારમાં વિકાસનું કામ ચાલુ હતુ ત્યારે રજૂઆત ફરિયાદ આધારે તપાસ શરૂ થઈ હતી. જોકે ચાલુ તપાસમાં તલાટી કમ મંત્રીએ ચૂકવણું કરી દેતા/કરાવી દેતાં ખળભળાટ મચી ગયો હતો. આથી ડીડીઓ પારેખે ધોરણસરની કાર્યવાહી હેઠળ સસ્પેન્ડ કરતાં કેટલાક તલાટીઓ એક થઈ વારંવાર ચિમકી આપી રહ્યા છે.

હજુ અનેક ઉપર પગલાં લેવાઇ શકે

ધિણોજનુ પ્રકરણ હજુ જિલ્લા સ્વાગતમાં ચાલી રહ્યું છે જેનો 2 દિવસમાં કોઈ નિકાલ આવે તેમ હોઈ રાહ જોવાઇ રહી છે. ડીડીઓએ અગાઉ તલાટીને સસ્પેન્ડ કર્યા બાદ કેટલાક કર્મચારીઓને શો કોઝ નોટીસ આપી હતી. જેના જવાબ આધારે જે કંઈ મળી આવે તેમ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં હજુ વધુ ટેકનિકલ સહિતના અનેક સસ્પેન્ડ થાય તેવી શક્યતા નકારી કઢાતી નથી.

ચૂકવણું બંધ કરવાની ચિમકીથી શું વિકાસના કામોને બાનમાં લેવા છે ?

ધિણોજ તલાટી મામલે કેટલાક તલાટીઓ એકજૂથ થઈને વારંવાર અલગ અલગ ચિમકી આપી રહ્યા છે. તેમાં હવે ગ્રામ પંચાયતના વિકાસના કામોનું ચૂકવણું અટકાવી દેવાની ચિમકી આપી છે. સરકારના પ્રતિનિધિ એવા ડીડીઓએ પારદર્શકથી અસંતોષ હોય તો અપીલમાં જવા કે કોર્ટ સમક્ષ જવા સુધીના દરવાજા ખુલા છે. જોકે આમ છતાં ચૂકવણું અટકાવી દેવાની ચિમકીથી વિકાસના કામોને શું બાનમાં લેવો છે ? આ સવાલ પણ હવે જાગૃત અને સરકારના પક્ષધર તલાટીઓમા ઉઠી રહ્યો છે.