વનવિભાગ@પાટણ: ટેન્ડરોમાં કોણ છે, રાજા રણછોડ નહિ.... મળતિયાઓની માયાજાળ છે

 
Patan

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લા વનવિભાગનાં વહીવટ મામલે છેલ્લા 2 વર્ષથી અનેક અરજદારો કાગળ ઉપરની હકીકત શોધી રહ્યા છે. જેમાં રોપા બાબતના અને સિવિલ કામોના ટેન્ડરોમાં કોણ છે તે સવાલ અતિ મહત્વનો બની ગયો છે. કનૈયા ઉપરની પંક્તિની જેમ ટેન્ડરોમાં કોણ છે? તો જવાબમાં રાજા રણછોડ નહિ પરંતૂ મળતિયાઓની માયાજાળ આવે છે. ગત નાણાંકીય વર્ષમાં કોને વર્ક ઓર્ડર મળ્યાં તે નામો જાહેર કરવાનું ઈરાદાપૂર્વક ટાળવામાં આવી રહ્યું છે. સરકારી ઠેકો કઇ એજન્સીને આપ્યો તે એજન્સીના નામો કેમ ના આપી શકાય ? હકીકતમાં નામો આપવાથી મોટો ઘટસ્ફોટ થતો હોઈ અને મળતિયાઓની માયાજાળ ખુલી પડતી હોઈ નામો છૂપાવી રહ્યા છે. હવે અહીં આપણે સમજીએ કે, નામો જાહેર થાય તો કોને રેલો આવે અને કયા ઘટસ્ફોટ થાય તેમ છે.

પાટણ જિલ્લા વનવિભાગ હેઠળ વિસ્તરણ અને નોર્મલ રેન્જ કાર્યરત છે ત્યારે વર્ષ દરમ્યાન વિવિધ કામોના ટેન્ડરો આવતાં રહે છે. હવે આ ટેન્ડરો પારદર્શક હરિફાઇથી કોને આપ્યા તે જાણવા અનેક જાગૃત નાગરિકો વિવિધ રીતે પ્રયાસ કરી રહ્યા છે. સરકારી ટેન્ડર કયા કોન્ટ્રાક્ટરને આપ્યું કે મળ્યું તે કોન્ટ્રાક્ટરના ખાલી નામ એટલે કે એજન્સીનુ માત્ર નામ જાહેર કરવા શક્ય એટલી તાકાત થઈ રહી છે. અનેક અરજદારોએ ટેન્ડરોના વર્ક ઓર્ડરોની નકલો માંગી છતાં મદદનીશ વનસંરક્ષક આપી શકતાં નથી. આરટીઆઇનુ મનસ્વી અર્થઘટન કરીને સરકારી ઠેકો મેળવનારના નામ નહિ આપવા મથામણ થઈ રહી છે. વાંચો નીચેના ફકરામાં શું રહસ્ય હોઈ શકે એજન્સીઓના નામમાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોટાભાગના ટેન્ડરોમાં હરિફાઇ માત્ર નામ પૂરતી રાખી હતી. વિવિધ રેન્જના‌ ટેન્ડરો મળતિયાઓને આપી ટેન્ડર મુજબના રોપા વાવેતર અને ઉછેરના અનેક કામો રોજમદારો મારફતે કરાવાય છે. આટલુ જ નહિ, જો આરએફઓ બદલાઇ જાય તો જૂનું ટેન્ડરની એજન્સી તાત્કાલિક અસરથી આઉટ થાય છે અને નવું ટેન્ડર કરી નવી એજન્સી એન્ટ્રી કરે છે. રોજમદારોના સૂત્રો જણાવે છે કે, એજન્સીઓના બીલોની સહી પણ અનેક રેન્જના રોજમદાર કરી રહ્યા છે. જો સહી ચેક કરવામાં આવે તો મોટો ખુલાસો થાય તેમ છે અને જે એજન્સીઓ કામ કરી રહી તેના આકાઓ તપાસવામાં આવે તો નામ માત્રના કાગળ ઉપરના કોન્ટ્રાક્ટરો છે, હકીકતમાં વહીવટ રેન્જ ઓફિસથી જ થાય છે.