રાજનીતિ@પાટણ: લોકસભા માટે ભાજપના ઉમેદવાર નક્કી તો કોંગ્રેસમાંથી કોણ ? આ નામો છે ચર્ચામાં
અટલ સમાચાર, ડેસ્ક
લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પાટણની ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે. આ તરફ હવે પાટણ લોકસભા બેઠક માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમાં સિદ્ધપુરના માજી ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જગદીશ ઠાકોર, અને રાધનપુરના માજી ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી ચંદનજી ઠાકોર માટે મુશ્કેલી સર્જવા ભાજપે તખ્તો ઘડી ભરતી મેળાનું આયોજન કર્યું છે. આ બેઠકમાં કુલ 95 ગામડાઓનો સમાવેશ થાય છે. એટલે કે આ બેઠક પર ઠાકોર અને મુસ્લિમ મતદારોના મતોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે.
ગુજરાત રાજસ્થાન નેશનલ હાઈવે પર આવેલ અને દેવોનું મોસાળ ગણાતા સિદ્ધપુર વિધાનસભા બેઠક વિસ્તારમાં સિદ્ધપુર તાલુકો, પાટણ તાલુકાના ગામો જેવા કે અજુજા, મુના, ખરેડા, ઘંટવડા, અમરપુરા, વહાણા, ભાટસણ વેગેરે જેવા અન્ય ગામડાઓનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં કુલ 95 ગામડાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2022ના પ્રારંભે પ્રસિદ્ધ થયેલી મતદારયાદી મુજબ 137807 પુરુષ,127843 સ્ત્રી મળી કુલ 2,65,650 મતદારો સિદ્ધપુર વિધાનસભા બેઠક પર નોંધાયા છે.
પાટણ જીલ્લાની સિદ્ધપુર બેઠક પરના જાતિ ગણિતની વાત કરીએ ઠાકોર 27.0 ટકા, રાજપૂત 4 ટકા, મુસ્લિમ 24 ટકા, પાટીદાર 9 ટકા ચૌધરી 1 ટકા, દલિત 11 ટકા, માલધારી 6 ટકા, બક્ષીપંચ 8 ટકા, સવર્ણ 5 અને અન્ય 10 ટકા મતદારો છે. જ્ઞાતિ મુજબ મતદારોનું સમીકરણ જોતાં સૌથી વધુ 65 હજાર ઠાકોર, 63 હજાર મુસ્લિમ, 33 હજાર દલિત, 25 હજાર પટેલ, 12 હજાર રબારી, 5900 બ્રાહ્મણ, 3800 રાજપૂત સહિત અન્ય નાના સમાજના મતદારોનો સમાવેશ થાય છે.