ગંભીર@ધાનપુર: તાલુકામાં મનરેગાના ભાવ કોણે મોઢે કરાવ્યા, સૌથી મોટી યોજના શું ભાવથી ચાલે છે ? રીપોર્ટ જુઓ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ધાનપુર તાલુકામાં કેટલાક દિવસો અગાઉ મનરેગાના કામની સામે પૈસા લેતો કથિત વિડિયો વાયરલ થયો આ પછી એક યુવક ધાનપુર તાલુકા પંચાયત ગયો અને ઘર્ષણ બાદ યુવકે મનરેગાનુ ભાવપત્રક જાહેર કરી દીધું. શું ધાનપુર તાલુકામાં મનરેગા યોજના ભાવથી ચાલે છે? મનરેગાના કામ મુજબ ભાવ હોય ખરા ? જો ના હોય તો બધાને ભાવ કોને મોઢે કરાવ્યા ? શું કોઈ મોટી તાકાત આખું નેક્સસ ચલાવે છે ? સૌથી મોટી યોજનાની ધાનપુર તાલુકામાં સૌથી વધુ અને ઝડપી આવતી ગ્રાન્ટમાં આખું નેટવર્ક કામ કરી રહ્યું છે? આ સવાલોના જવાબ જાણતાં પહેલાં તમારે આખી સિસ્ટમમાં કોણ સામેલ તે સમજવું પડશે. જાણીએ અટલ સમાચાર ડોટ કોમના આ સ્પેશિયલ રિપોર્ટમાં...
દાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકો મંત્રી બચુ ખાબડના મતવિસ્તારમાં આવે એટલે સ્વાભાવિક ગ્રાન્ટમાં અને વિકાસમાં કોઈ કમી ના હોય. અહિં કેટલાક દિવસો અગાઉ મનરેગાના નામે ધાનપુર તાલુકા પંચાયતના ટેકનિકલ અને કેટલાક ઈસમો ગેરકાયદેસર રકમ લેતાં હોવાનો કથિત વિડિયો વાયરલ થયો હતો. આ વિડીયો બાદ એક સ્થાનિક યુવક ધાનપુર તાલુકામાં જાય અને ઘર્ષણ થતાં પોલીસ તેને લઈ જાય છે. પોલીસ સ્ટેશનમાંથી છૂટ્યા પછી અચાનક આ યુવક મનરેગામાં કામ સામે રકમનું ભાવપત્રક જાહેર કરીને ધડાકો કરે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, મનરેગામાં ભાવ ક્યાંથી આવ્યા, આટલું જ નહિ મનરેગા સાથે સંકળાયેલા લાભાર્થીઓને ભાવ કોને મોઢે કરાવી દીધા ? આ બાબતે ચેનલ નેટવર્ક સમજવું પડશે.
આમ તો આખા દાહોદ જિલ્લામાં મનરેગા યોજના પૂરજોશમાં ચાલે છે પરંતુ ધાનપુર તાલુકામાં સૌથી વધુ ગ્રાન્ટ આવતી રહે છે. અહિં મનરેગા માટે જરૂરી માલસામાન આપતી મટીરીયલ એજન્સીના આકાઓ મોટું રાજકીય પીઠબળ ધરાવે છે. અહિં નાના કામો કરતાં મોટા કામો વધારે થાય છે, અહિં હંમેશા લેબર મટીરીયલ રેશિયાનો ભંગ થતો રહે છે, અહિં ક્યારેય લેબર વિના કે મટીરીયલ વિના કામો અટકતાં નથી, અહિં ક્યારેય ગ્રાન્ટનો પ્રશ્ન નડતરરૂપ બન્યો નથી. મતલબ સાફ છે, મંત્રીજીના વિસ્તારમાં સૌથી મોટી યોજના માટે તંત્ર અને લાભાર્થીઓ પૂરજોશમાં મહેનત કરી રહ્યા છે. અહિં તાલુકાના અને ગ્રામ્ય કક્ષાના મનરેગાના કરાર આધારિત કર્મચારીઓ નજીવા પગાર વચ્ચે ખૂબ મહેનતથી કામ કરે છતાં પગારની બૂમ પાડતાં નથી.
આવું કેમ છે ? આ બાબતે ઉંડાણમાં જાઓ તો ખબર પડે કે, મનરેગાનુ કામ જો તમારે કરવું હોય તો નેટવર્કના નિયમોને અનુસરવા પડે. હવે આ નેટવર્કમાં કોણ કોણ છે અને કેવા છે નિયમો એ જાણવા ગુપ્ત રાહે લાભાર્થી બનવું પડે અને વિકાસનું કામ હાથ ધરો એટલે આખું ચિત્ર સાફ થાય તેમ છે. એટલે જ સમગ્ર પંથકમાં ચર્ચા છે કે, જો એસીબી વાળા સુઓમોટો કરવા એકવાર લાભાર્થી બને તો ધાનપુર તાલુકામાં મનરેગાના ભાવ કેવી રીતે મોઢે અથવા કોણે મોઢે કરાવ્યા તેનો પણ ભાંડો ફૂટી જાય.
એપીઓ અને ટીડીઓ બધું જાણે છતાં બધું બરાબર છે હો....
ધાનપુર તાલુકામાં એવી પરિસ્થિતિ છે કે, ઢગલાબંધ યોજનાઓ ચાલુ છતાં મનરેગા શાખામાં ખૂબ કામ કરે છે અને લાભાર્થીઓ પણ ખૂબ આવે છે. હવે મનરેગા એક્ટની જોગવાઈ છે કે, રજૂઆતમાં પ્રથમ દ્રષ્ટિએ 0.1 ટકા પણ કંઈપણ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક અસરથી તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવી. અત્યાર સુધી ટીડીઓ રચિત ભાઇ સમક્ષ કેટલી રજૂઆત આવી? કેટલી રજૂઆત ઉપર પારદર્શક કામ થયું? ટીડીઓ દરેક કામોની પારદર્શકતા ગુણવત્તા જુએ છે ? એપીઓને કોઈ ફરિયાદ કરે કે, ભાવ લેવાય છે તો એપીઓ લોકપાલને જણાવે છે ? આ સવાલો ધાનપુર તાલુકામાં મનરેગાની પારદર્શક અમલવારી માટે અગત્યના છે.