ગંભીર@હાલોલ: કરોડોની વેરા આવકમાં થયેલી ગોલમાલ કોણે દબાવી, ફેક્ટરીઓનો વેરો ગજવે કર્યો?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
હાલોલ તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતો એવી છે કે, જેને વેરા પેટે કરોડોની આવક થાય છે. જીઆઇડીસી વિસ્તારમાં ગયેલી ગ્રામ પંચાયતની જમીન બાદ ઉભી થયેલી ફેક્ટરીઓ થકી મોટા પ્રમાણમાં વેરો મળતો થયો છે. આ કોમર્શિયલ/ઔદ્યોગિક એકમોની વેરા આવકથી કેટલીક ગ્રામ પંચાયતો માલામાલ થઈ પરંતુ દાનત બગડતાં ઉચાપતનો કારસો રચાયો છે. જેની જાણ થતાં કે રજૂઆત પહોંચતાં ભૂતકાળના ડીડીઓ સુધી વાત પહોંચી હતી. જોકે તપાસના નામે મામલો કાર્યવાહીના મંજીલે પહોંચે તે પહેલાં દબાઇ જતાં અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ.........
પંચમહાલ જિલ્લાનો હાલોલ તાલુકો ધાર્મિક રીતે મજબૂત છે તો તબક્કાવાર આર્થિક રીતે મજબૂત થયો છે. રાજ્ય સરકારની સરળ ઔદ્યોગિક નીતીને કારણે કાલોલ તાલુકામાં મોટા પ્રમાણમાં ઉત્પાદકો, સેવા પ્રદાતાઓ આવ્યા ત્યારે અનેક ગ્રામ પંચાયતની જમીન ઔદ્યોગિક વિકાસમાં ગઈ છે. જેની સામે સંબંધિત ગ્રામ પંચાયતોને વેરા પેટે વર્ષે લાખો રૂપિયાની આવક મળતી થઈ છે. જેમાં કેટલીક ગ્રામ પંચાયતોને વેરા પેટે પાછલા વર્ષોની કરોડોની રકમ ભેગી થતાં વપરાશનો મામલો ગરમાયો હતો. જોકે આ દરમ્યાન કરોડોની રકમ ઉપર દાનત બગડતાં ઉચાપત થઈ હોવાની બૂમરાણ જિલ્લા પંચાયત સુધી પહોંચી હતી. પૂર્વ ડીડીઓ સુધી કરોડોની વેરા આવકમાં ગોલમાલનો મામલો પહોંચ્યો ખરો પરંતુ પછી શરૂ થઈ ચોંકાવનારી ગતિવિધિ. કોઈ કારણસર કરોડોની વેરાની વસૂલાત, પારદર્શક ખર્ચ, કામો થયા કે નહિ, થયા તો ક્યાં અને કેટલા તે સહિતની તપાસ પરિણામ દાયક થઈ નહિ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જે ગ્રામ પંચાયતમાં મોટાપાયે વેરો આવે છે ત્યાં પારદર્શક રીતે તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. વેરા થકી આવતી આવકને ખર્ચ કરવાના ધારાધોરણ, જોગવાઈ, નિયમો વિગેરે બાબતે સ્થાનિક લોકોમાં પણ પૂરતી જાગૃતિ ના હોવાથી ગેરરીતિ બહાર આવતી નથી. આટલું જ નહિ, લાખો કરોડોનો વેરો ભેગો થયો હોય તેવી ગ્રામ પંચાયતમાં સરપ્રાઇઝ તપાસ કે ધોરણસરની તપાસ કમિટી નિમવામાં આવે તો અનેકના પગે રેલો આવે તેવી શક્યતા હોવાનું જાણકારો માની રહ્યા છે.