રાજનીતિ@ગુજરાત: કોણ બનશે અમદાવાદના નવા મેયર ? જાણો એક જ ક્લિકે

 
AMC

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરને અગામી મહિને નવા મહિલા મેયર મળી જશે. અમદાવાદ શહેરના વર્તમાન મેયર કિરીટ પરમાર સહિત ભાજપના પાંચેય હોદ્દેદારોની મુદત અગામી તા.9 સપ્ટેમ્બરના દિવસે પૂર્ણ થશે. જેથી તે દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાની બેઠક મળશે જેમાં નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂંક કરવામાં આવશે. 

ભાજપ પાસે બહુમતિ છે જેથી તેમના મહિલા કોર્પોરેટર મેયરના પદ પર બેસે તે નિશ્ચિત છે. પણ હાલના સંજોગોમાં શહેરના મહિલા મેયર તરીકે શાહીબાગ વોર્ડના મહિલા કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ મોખરે છે. ભાજપ મોવડી મંડળ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ બદલાય તેવી સંભાવના નહીવત માનવામાં આવી રહી છે. જ્યારે વર્તમાન બે કમિટીઓના ચેરમેન કમ કોર્પોરેટરો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનવા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે.

વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ હતી તે વખતે ભાજપના 159 કોર્પોરેટરો જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના માત્ર 25 કોર્પોરેટરો જીત્યા હતા અને અન્ય 7 કોર્પોરેટરોએ જીત નોંધાવી હતી. એક બેઠક પર અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી તે વખતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના મોવડી મંડળ દ્વારા અમદાવાદના મેયર તરીકે ઠક્કરબાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમાર ઉપર પસંદગી ઉતારી હતી. ઓબીસી ક્વોટામાંથી થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચાંદખેડાના કોર્પોરેટર અરુણસિંહ રાજપુતને હિન્દીભાષી સમાજને ધ્યાને રાખી દંડકની પોસ્ટ અપાઇ હતી. નારણપુરાના મહિલા કોર્પોરેટર ગીતાબહેન પટેલને ડે. મેયર તરીકે નિમવામાં આવ્યા હતા અને સરસપુરના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટને પક્ષના નેતાના પદે મૂકાયા હતા.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત હોવાના લીધે 9 સપ્ટેમ્બરના રોજ મેયરની અઢી વર્ષની મુદત પૂર્ણ થશે એ સાથે હાલના મેયર કિરીટ પરમારની જગ્યાએ હવે મેયર તરીકે મહિલા કોર્પોરેટરને અઢી વર્ષની ટર્મ મળવાની છે. હાલ એએમસી અને ભાજપમાં આ મામલે ગતિવીધીઓ શરૂ થઇ ગઇ છે. તેમજ વિવિધ કોર્પોરેટરો પોતાના રાજકીય ગોડફાધરો પાસે જઇને પોતાને હોદ્દો મળે એ માટે દોડધામ કરી રહ્યા છે.