ગંભીર@દેવગઢબારીયા: જમીનના કામમાં ખેડૂતો ત્રાહિમામ્ કેમ, લોક દરબાર યોજવાની નોબત, સર્કલનુ સર્કલ સર્કલ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મંત્રીજીના દેવગઢ બારિયા તાલુકામાં મહેસુલી બાબતનાં સામાન્ય કામમાં ખેડૂતો ચોંકાવનારી હદે ત્રાહિમામ્ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. હક્ક દાખલ, હક્ક કમી, વારસાઇ અને દસ્તાવેજ સહિતની અરજીમાં બેફામ જવાબ આપી ઉડાવી દેવામાં આવી રહી છે. કેટલાક દિવસો અગાઉની જ એક અરજીમાં સર્કલના સર્કલ જેવાં રીપોર્ટીંગથી મામલતદારે જે જવાબ કર્યો તે કલ્પના બહારનો હતો. અરજદાર એકલા ગોથે ચડ્યાં કે, કાગળો બરાબર છતાં નોંધ ના પડી. મામલતદારે એક લીટીમાં લખી દીધું, પુરાવા પૂરતાં નથી. જોકે મામલતદારે જણાવ્યું નહિ કે, કયા પુરાવા નથી. આવા તો અનેક કિસ્સામાં ખેડૂતો, જમીન સંબંધિતો લાંબા સમયથી સર્કલના સર્કલમાં લંબિત છે. જાણો દેવગઢ બારિયા તાલુકામાં સર્કલ કાંડનો સ્પેશિયલ રિપોર્ટ...
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં મામલતદાર કચેરીના કામકાજથી પરેશાન ખેડૂતોની વ્હારે ચડવાની જરૂર ઉભી થઇ છે. સાંસદજી, ધારાસભ્ય અને મંત્રીજી તેમજ ખાસ તો કલેક્ટરે તપાસ સંયુક્ત લોકદરબાર યોજવો પડે તો ખબર પડે કે, કેટલા ખેડૂતો જમીન હક્ક બાબતના વિવિધ કામથી દોડી દોડીને થાકી ગયા છે. હક્ક દાખલ અને હક્ક કમીની નોંધ પડાવતાં પૂરતાં કાગળો વચ્ચે ખેડૂત અરજદારોને નાકે દમ આવી રહ્યો છે. પૂર્વ મામલતદાર શાહ વખતના અને હાલમાં પણ ફરજ બજાવતાં સર્કલ ઓફિસરના અભિપ્રાયમાં આવતી અનેક અરજીઓમાં ખેડૂતોના કામો ફાઈલે થઈ ગયા છે. નોંધ બાબતની અરજીમાં બેફામ જવાબો મામલે અને તેનાથી અર્ધ શિક્ષિત કે અશિક્ષિત ખેડૂતો ત્રાહીમામ બનતાં હોવાના સવાલ સામે હાલનાં મામલતદાર સમીર પટેલે જણાવ્યું કે, તત્કાલીન મામલતદારની ભૂલ કહેવાય પરંતુ અમે કાળજી રાખીને જવાબ આપીએ છીએ તેમજ જે ડોક્યુમેન્ટ ખૂટતું હોય તે ડોક્યુમેન્ટ વિશે જણાવીએ છીએ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવગઢ બારિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી અનેક નવા પરિવારો બન્યા, અનેક ખેડૂતો ભાઈઓના જમીનનાં ભાગ પડ્યાં ત્યારે જમીનમાં હક્ક કમી, દાખલ, નવા દસ્તાવેજો તેમજ વારસાઇ સહિતના કામો ખૂબ વધ્યાં છે. આવી સ્થિતિમાં આંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં ખેડૂતોની નોંધ પડતી નથી અને ફાઇલે થઈ રહી છે. જો આ સર્કલની ભૂમિકા અને રીપોર્ટીંગ તપાસવામાં આવે તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. આટલું જ નહિ, એક ખેડૂત અરજદારે જણાવ્યું કે, સામાન્ય નોંધમાં પણ હજારો ખેડૂતો દોડી રહ્યા છતાં નોંધ પડતી નથી અને ત્રાહિમામ્ પોકારી આખરે ખેડૂતોએ ધરમધક્કા બંધ કરી દીધા છે. જો કલેક્ટર અને પ્રાંત અધિકારી દેવગઢ બારિયા તાલુકામાં માત્ર હક્ક કમી, દાખલ અને વારસાઇના કામવાળા ખેડૂતોને લોકદરબારમાં આમંત્રિત કરે તો સભાખંડ નાનો પડે તેવી નોબત હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે.