રિપોર્ટ@ગોધરા: ભ્રષ્ટાચારના જવાબદારો વિરુદ્ધ ફરિયાદ કેમ નહિ? ગરૂડેશ્વર જેવી કાર્યવાહી કરો, શું કહ્યું dyડીડીઓએ ?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગોધરા તાલુકાની શાળાઓમાં બાળકોને પીવાના શુદ્ધ પાણીની સગવડ આપવામાં ભ્રષ્ટાચાર આચર્યો છે. કસૂરવારોને એટલી પણ શરમ ના આવી કે, બાળકોને માટે સરકારે આપેલા નાણાં પણ ચરી જવાની દુર્બુદ્ધિ સુઝી હતી. સદર કેમ મામલે પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા તપાસ થયા બાદ જવાબદારોને નોટીસ ફટકારી છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, ભ્રષ્ટાચાર સીધો દેખાય અને સાબિત પણ થયો છે તો જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ નહિ ? નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનની કામગીરીમાં ભ્રષ્ટાચાર બદલ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. તો પંચમહાલ જિલ્લામાં પણ જવાબદારી ફિક્સ કરી સમગ્ર મામલો પોલીસ તપાસને કેમ સોંપવામાં આવતો નથી. શું છે જોગવાઈ અને પોલીસ ફરિયાદ બાબતે શું કહ્યું નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જાણો સમગ્ર અહેવાલ...
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં વર્ષ 2020-21 તેમજ 2021-22ની ગ્રાન્ટ હેઠળ 86 શાળાઓમાં 86 લાખના ખર્ચે આરઓ મશીન ફિટ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં વહીવટી અને નાણાંકીય બેદરકારી થઇ હોવાનું પ્રાથમિક તબક્કે જણાતાં તપાસ થઇ હતી. જેમાં ગોલ્લાવ, ઓરવાડા, બગીડોળ, મહેલોલ, ગદુકપુર, ધાણીત્રા અને વેલવડ ગામે તપાસ થઇ હતી. આ શાળાઓમાં તપાસ દરમ્યાન આરઓ મશીન અને ટાંકી ફીટ કર્યા વગર કોન્ટ્રાક્ટ એજન્સી વાળા કીટ મૂકીને જતાં રહ્યા હતા. આટલુ જ નહિ જિલ્લાની ડીપીસીમાં કોઈ રજૂઆત નહોતી મૂકી અને તે કમિટીની કોઈ મંજૂરી પણ લીધી નહોતી. 86 લાખનો કોન્ટ્રાક્ટ પોતાની સત્તા બહાર જઈને આપ્યો હોઈ ભ્રષ્ટાચાર કરવાનો ઈરાદો હોવાનું સીધું સાબિત થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલુકાની કમિટીના અધ્યક્ષ તરીકે ગોધરા તાલુકા પંચાયતના તત્કાલિન ટીડીઓ, કમિટીના સભ્યો તેમજ જિલ્લા સ્તરે પંચમહાલ જિલ્લા પંચાયતના આંતરિક અન્વેષણ અધીકારી, તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર, નાયબ હિસાબનિશ, મદદનીશ ટીડીઓ મળીને કુલ 6 જણાંએ એકબીજાની મિલીભગતથી સરકારને નાણાંકીય રીતે નુકસાન પહોંચાડવાનું કૃત્ય કર્યું હતુ. આ તમામે એકબીજાની સરકારી ફરજમાં બેદરકારી કે ઈરાદાપૂર્વકનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આથી જવાબદારી નક્કી કરી પોલીસ ફરિયાદ કરવાની જોગવાઈ છતાં તે થયું નથી.
સમગ્ર મામલે પંચમહાલ જિલ્લા પંચાયતના નાયબ ડીડીઓ એચ.ટી. મકવાણાએ કમીટીના 6 સભ્યોને ખુલાસો પૂછતી નોટીસ ફટકારી છે. જોકે પોલીસ ફરિયાદ કેમ નહિ તે સવાલ સામે નાયબ ડીડીઓ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ખાતાકીય તપાસ કાર્યવાહી થાય અને ગુનો નોંધાવી પોલીસને પણ તપાસ આપી શકાય છે. જોકે સૌપ્રથમ ખાતાકીય તપાસ કાર્યવાહીથી થતું હોય તો પોલીસ ફરિયાદ કરવી નથી. જોકે તાજેતરમાં નર્મદા જિલ્લામાં દાખલ થયેલી 2 પોલીસ ફરિયાદમાં આરોપીઓ ટીડીઓ સહિતના 15થી વધુ કર્મચારીઓ છે. તો ગોધરા તાલુકામાં દાખલરૂપ પોલીસ ફરિયાદની કાર્યવાહી કેમ નથી કરતાં નાયબ ડીડીઓ એ સૌથી મોટો સવાલ છે.