રિપોર્ટ@ગુજરાત: તલાટી પરીક્ષા માટે કેમ માત્ર 50% ઉમેદવારોએ જ સંમતિ આપી ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તલાટીની પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારોમાંથી 50% એ જ સંમતિ આપી છે. પરીક્ષા માટે 17.20 લાખ ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા, પરંતુ આટલી બધી સંખ્યામાં પરીક્ષાર્થીઓની એકી સાથે પરીક્ષા લેવાની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પંચાયત પસંદગી બોર્ડ દ્વારા ઉમેદવારોની સંમતિ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરિણામે ગઈકાલે બપોરે સુધીમાં 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપવા માટેની તૈયારી દર્શાવી હતી.
તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર નહીં ભરનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં. તેમજ આ ઉમેદવારો તેમની ફી પણ પરત મેળવી શકશે નહીં. આગામી સાતમી મેના રોજ યોજાનારી આ પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફુલ પ્રુફ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી તલાટીની પરીક્ષા માટે પહેલા તબક્કામાં 23 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. ત્યાર બાદ એક જ ઉમેદવારની એકથી વધારે અરજી આવતા 17.20 લાખ ઉમેદવારો રહ્યા હતા.
પહેલીવાર રાજ્યમાં કોઈ જાહેર પરીક્ષા માટે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો નોંધાયો હોવાથી એકી સાથે પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવી એક પડકાર હતો. આ દરમિયાન જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ગેરહાજર રહેતા સરકાર દ્વારા ઉમેદવારોની સંમતિ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
શું છે અસંમતિ દર્શાવવા પાછળના કારણો?
આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોએ અસંમતિ દર્શાવવા પાછળના કારણોમાં જાણવા મળે છે કે, ઉમેદવારોએ એક કરતાં વધારે ફોર્મ ભર્યા હોઈ શકે છે. ઉમેદવારોને અન્ય જગ્યાએ નોકરી મળી ગઈ હોય અથવા કેટલાક ઉમેદવારોને દૂરના સ્થળે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવતા હોવાથી ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યા નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આગામી 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે કન્ફર્મેશન ફોર્મને લઈ જણાવ્યું હતું કે, આ ફોર્મ ભરવાનો મુખ્ય હેતુ એટલો છે કે, સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય અને ખોટા ખર્ચ અટકાવી શકાય. આ નિર્ણય ભવિષ્યની પરીક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે. તેમજ પેપર છપાવવા અને અન્ય વધારાનો ખર્ચ થાય છે તેના પર કાબુ મેળવી શકાશે.