દુ:ખદ@ગુજરાત: પતિના મોતની ખબર સાંભળતા અડધા કલાકમાં પત્નિનું પણ મોત, 2 માસુમોએ માં-બાપ ગુમાવ્યા

 
Navsari

અટલ સમાચાર, ડેસ્ક

નવસારીમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિના મોતની ખબર સાંભળી પત્નીએ પ્રાણ છોડ્યા છે. પતિના મોત બાદ અડધા કલાકમાં પત્નીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવાર શોકમગ્ન બન્યું છે. પતિની વિદાયના આઘાતમાં પત્નીએ પણ પ્રાણ છોડ્યા હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

નવસારીના ખેરગામ તોરવણવેરા ગામના 38 વર્ષીય અરૂણ ગાવિત નામના યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. આ સમાચાર સાંભળતા જ મૃતક અરૂણના પત્ની ભાવના ગાવિત બેશુદ્ધ થયા હતા. જ્યાં સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડતા હાર્ટએટેકથી તેમનું પણ મોત થયું હતું. પતિના મોતના અડધા કલાકમાં પત્નીએ પણ પ્રાણ છોડી દીધા હતા. આ યુગલને બે બાળકો છે. પતિ, પત્નીના મોતથી બે બાળકો પરથી માતા-પિતાની છત્ર પણ છીનવાઈ ગઈ છે. મૃતક ભાવના ગાવિત ખેરગામના પૂર્વ સરપંચ પણ હતા.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. નવસારીના ખેરગામ તોરણવેરા ગામના 38 વર્ષીય અરૂણ ગાવિતનું ગુરૂવારે રાત્રે ગામમાં જ બાઈક સ્લીપ થતાં મોતને ભેટ્યા હતા. અરૂણ ગાવિતના મોતની વાત જાણતા જ પત્ની ભાવના ગાવિત બેશુધ્ધ થઈ ઢળી પડ્યા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હ્રદયરોગના હુમલાને કારણે પત્ની ભાવનાએ પણ પ્રાણ છોડ્યા હતા. પતિના મોતના અડધા કલાકમાં જ પત્નીના મોતથી બે માસૂમ બાળકોએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે. સેવાભાવી દંપતિના મોતથી તોરણવેરામાં શોકનો માહોલ છે.