સરાહનિય@અમદાવાદ: પતિ બ્રેઇન ડેડ થતાં પત્નીએ લીધો મોટો નિર્ણય, અંગદાન કર્યું

 
Ahemdabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 22 જુલાઇની મધરાતે પ્રેરક ઘટના બની હતી. ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દી બ્રેઇન ડેડ થતાં તેમના પત્નીએ મન મોટું રાખીને હિંમતપૂર્ણ અંગદાન કર્યું હતું. ભાવપૂર્ણ થયેલા આ અંગદાનમાં હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. થલતેજ વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરીને પરિવારનુ પેટીયું રળતાં 43 વર્ષીય રોશનભાઇ પુરોહિતને 17 જુલાઇએ માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં તેમને ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી અને માથાના ભાગમાં પણ ઈજાઓ હતી. જેથી સ્થાનિકજનોએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર માટે લાવીને બિનવારસી તરીકે દાખલ કર્યાં હતાં. ત્યાર બાદ પરિવારજનોને રોશનભાઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે તેની જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

અહીં હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલા આઇસીયુમાં રોશનભાઇને દાખલ કરીને જરુરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આમ તો તબીબોની મહેનત અને હોસ્પિટલ તંત્રની સારવાર પરિણામે એક ક્ષણ માટે તો લાગ્યું હતું કે રોશનભાઇ સાજા થઈ જશે. પરંતુ 23મી જુલાઇએ તબીબોએ રોશનભાઇને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. જે બાદ રોશનભાઇના પત્નીએ પતિના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. હોસ્પિટલના તબીબોને હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. હૃદય સીમ્સ હોસ્પિટલમાં, લીવર અને બંને કિડની સિવિલની કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી જ્યારે અંગદાનની પ્રાર્થનામાં પહોંચ્યા ત્યારે તેમના માટે પણ અંગદાનની ક્ષણ ભાવભીની બની રહી હતી. તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે પુરોહિત પરિવારનું હોસ્પિટલના વડા તરીકે અંગદાન સ્વીકાર્યું હતું. આમ સિવિલ હોસ્પિટલમાં આ 123મું અંગદાન બની રહ્યું. અત્યાર સુધીમાં 123 અંગદાનમાં 397 અંગો મળ્યા છે અને 377ને નવી જીંદગી મળી છે.